21 July, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભારે વરસાદને લીધે વડાલામાં પાણી ભરાઈ ગયા હતા. (તસવીર - શાદાબ ખાન)
છેલ્લા દસેક દિવસથી મુંબઈમાં મન મૂકીને વરસી રહેલા વરસાદનો આનંદ લઈ રહેલા મુંબઈગરાઓએ આવનારા ચાર દિવસ ચેતીને ચાલવું પડે એમ છે. હવામાન ખાતાએ આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટાં પડતાં રહેશે એવી આગાહી કરી છે. જોકે સોમવારથી ચાર દિવસ ભારે ભરતીના છે. એ દરમ્યાન અરબી સમુદ્રમાં ૪.૫ મીટર કરતાં વધુ ઊંચાઈનાં મોજાં ઊછળવાની શક્યતા છે. એથી એ સમયે જો ભારે વરસાદ પડે તો મુંબઈગરાઓએ પાણી ભરાવાની હાલાકી ભોગવવી પડી શકે એમ છે.
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે પરોઢિયાથી વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં હોવાથી લોકલ ટ્રેનો મોડી દોડી રહી હતી. દિવસ દરમ્યાન હલકાંથી ભારે ઝાપટાં પડતાં રહ્યાં હતાં. સવારના ૮.૩૦ વાગ્યાથી લઈને સાંજના ૫.૩૦ વાગ્યા દરમ્યાન કોલાબામાં ૨૦.૬ અને સાંતાક્રુઝમાં ૫૨.૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાએ પાલઘર, થાણે અને મુંબઈ માટે યલો અલર્ટ જ્યારે રાયગડ અને રત્નાગિરિ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. જોકે ગઈ કાલે મહારાષ્ટ્રના રત્નાગિરિના ખેડ તાલુકાના જામગે ગામમાં પૂર આવ્યું હતું અને ખેડની સૈનિક સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં ગઈ કાલે ૫,૯૨,૮૬૬ મિલ્યન લીટર એટલે કે મુંબઈની કુલ જરૂરિયાતના ૪૦.૯૬ ટકા જેટલા પાણીનો સ્ટૉક થઈ ગયો હતો. ગયા વર્ષે આ સમયે એ ૫,૭૩,૩૪૦ મિલ્યન લીટર હતો.