13 February, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૫ જાન્યુઆરીની રાતે પરેલથી દેખાતી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક. (આશિષ રાણે)
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (એમટીએચએલ) દ્વારા પનવેલ અને પુણે જતા વાહનચાલકો માટે ગુડ ન્યુઝ છે. ચિરલેને મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે જોડતા બ્રિજના પ્રસ્તાવિત કનેક્ટરને લીલી ઝંડી મળી ગઈ છે. લગભગ ૧૦૦૦ કરોડના પ્રોજેક્ટમાં બે સિક્સ લેન એલિવેટેડ રોડનો સમાવેશ થાય છે. એક ચિરલેને ગવ્હાન ફાટા સાથે જોડશે, જ્યારે બીજો પલસ્પેને એક્સપ્રેસવે સાથે જોડશે. મેટ્રોપૉલિટન કમિશનર ડૉ. સંજય મુખરજીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ‘ચિરલેમાં એમટીએચએલને પલસ્પેમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવેથી જોડતા એમટીએચએલ કનેક્ટર પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે.’
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી એમટીએચએલને જેએનપીટી (જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ) હાઇવે સાથે જોડતા સિક્સ લેન એલિવેટેડ કનેક્ટરની યોજના બનાવી રહી છે. કનેક્ટરમાં ચિરલે ખાતે ઇન્ટરચેન્જ અને ગવ્હાન ફાટા પર અપ-ડાઉન રૅમ્પ હશે. પ્રોજેક્ટના ભાગરૂપે એનએચ-૪૮ને સિક્સ લેન બનાવવામાં આવશે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે નજીક એક ઇન્ટરચેન્જ પણ હશે.
માર્ચ ૨૦૨૩માં એમએમઆરડીએએ પનવેલના કોન ગામમાં જેએનપીટી એક્ઝિટથી ઉલ્વેના ચિરલે ઇન્ટરચેન્જ એટલે કે ૭.૩૫ કિલોમીટરના અંતર સુધી એલિવેટેડ કૉરિડોર બનાવવા માટે ટેન્ડરો આમંત્રિત કર્યાં હતાં. આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં લગભગ ૩૦ મહિના લાગશે. આ મહત્ત્વપૂર્ણ કનેક્ટર તૈયાર થયા બાદ સાઉથ મુંબઈથી લોનાવલા અને પુણે તરફ જતા વાહનચાલકોને ફાયદો થશે, કારણ કે તેઓએ મુંબઈ-પુણે એક્સપ્રેસવે સુધી પહોંચવા માટે ટ્રાફિકવાળા સાયન-પનવેલ હાઇવે અથવા વાશી ટોલ પ્લાઝાને ક્રૉસ કરવાની જરૂર રહેશે નહીં.