15 March, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ પોલીસ (ફાઈલ તસવીર)
મલબાર હિલના તાહની હાઇટ્સમાં રહેતાં જ્યોતિ મુકેશ શાહનું ગળું દબાવીને નાસી ગયેલા તેમના નવા જ રાખેલા નોકર કન્હૈયાકુમારને ઝડપી લેવા ૧૫ ટીમ બનાવી હતી એમ પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
પોલીસે કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝનની હત્યાનો મામલો હોવાથી અમે આરોપીને શોધવા અમારા ચુનંદા ઑફિસરો અને કર્મચારીઓની પંદર ટીમ બનાવી હતી. અમે આરોપીનાં સગાંસંબંધીઓ અને મિત્રોની પૂછપરછ કરીને માહિતી મેળવી હતી. ત્યાર બાદ એ માહિતીના આધારે તે ટ્રેનમાં સફર કરી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. એથી અમે જળગાંવ પોલીસ, ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની મદદ લીધી હતી અને આખરે તેને ભુસાવળથી ઝડપી લીધો હતો.’
મલબાર હિલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ઉદયસિંહ શિંગાડેએ કહ્યું હતું કે આરોપીને કોર્ટમાં હાજર કરતાં તેને ૧૯ માર્ચ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.
મૂળ પાટણનાં લખિયારવાડાના પાટણ જૈન જ્ઞાતિનાં જ્યોતિ શાહની પ્રાર્થનાસભાનું નરીમાન પૉઇન્ટના વાય. બી. ચવાણ હૉલમાં ગઈ કાલે સાંજે આયોજન કરવામાં આવ્યું હતું.