26 July, 2023 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીઠી નદીના ડિસિલ્ટિંગ પાછળ ખર્ચાયેલા પૈસાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે
મુંબઈ (પી.ટી.આઇ.) ઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા શહેરમાંથી વહેતી મીઠી નદીના ડિસિલ્ટિંગ પર ખર્ચવામાં આવેલાં નાણાંની ઉચ્ચ સ્તરની તપાસ કરવાનું મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.
ઉદ્યોગપ્રધાનની જાહેરાત બાદ તરત જ રીઍક્શન આપતાં શિવસેના (યુબીટી)એ કહ્યું કે મણિપુરમાં ચાલી રહેલી હિંસાની પણ તપાસ થવી જોઈએ.
નોંધનીય છે કે બીએમસીની ૧૯૯૭થી ૨૦૨૨ દરમ્યાન ઠાકરે પરિવારના નેતૃત્વ હેઠળની અવિભાજિત શિવસેના પાસે સત્તા રહેલી હતી. આ સમયગાળા માટે તપાસની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના પ્રસાદ લાડે પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ૨૦૦૫થી ૨૦૨૨ની વચ્ચે ડિસિલ્ટિંગ કરવા માટે ૧,૩૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને આ વિશે તપાસ થવી જોઈએ.
આના જવાબમાં ઉદ્યોગપ્રધાન સામંતે કહ્યું હતું કે ‘કૉન્ટ્રૅક્ટર કોણ હતો? કેટલો કાંપ કાઢવામાં આવ્યો? નદીને કેટલી પહોળી કરવામાં આવી? ૧,૧૬૦ કરોડનું શું થયું? એ સમયે અધિકારીઓ કોણ હતા? દરેક બાબતની ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવશે.’
શિવસેના (યુબીટી)ના સભ્ય અનિલ પરબે જણાવ્યું હતું કે ‘તપાસમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ને પણ આવરી લેવું જોઈએ. બીએમસી વહીવટકર્તાના નિયંત્રણ હેઠળ છે, કારણ કે એક વર્ષથી સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ નથી.’
વિધાનસભાની બહાર બોલતાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મણિપુરમાં ચાલી રહેલી હિંસાની પણ તપાસ થવી જોઈએ.