28 October, 2026 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય દત્ત
ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનાર લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના હુમલાખોરોની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ગૅન્ગના નિશાના પર અન્ય ઍક્ટર પણ હતા જેમાં સંજય દત્તનો પણ સમાવેશ થતો હતો.
હુમલાખોરોએ કહ્યું હતું કે સલમાન ખાનના રેસિડન્સ ગૅલૅક્સી અપાર્ટમેન્ટની બહાર રેકી કરી હતી. ત્યાર બાદ પાલી હિલસ્થિત સંજય દત્તના નિવાસસ્થાને પહોંચતાં પહેલાં તેઓ આમિર ખાન અને ઇમરાન હાશ્મીના ઘર પાસે પણ ગયા હતા; સંજય દત્તનું ઘર એ દિવસે તેમનું અંતિમ લક્ષ્ય હતું.
સંજય દત્તના ઘર પાસે પહોંચીને હુમલાખોરોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે તે ઘરે છે કે નહીં. તેમણે આસપાસના લોકોને પૂછ્યું કે શું સંજુ બાબા અંદર છે, પરંતુ તેમને કોઈ ઉપયોગી માહિતી મળી નહીં. એ વિસ્તાર પ્રમાણમાં સૂમસામ હતો અને પ્રવેશદ્વાર પાસે આવેલાં મોટાં વૃક્ષોને કારણે ઇમારતની આસપાસ થતી હિલચાલ પર નજર રાખવી મુશ્કેલ હતી.
ત્યાર બાદ હુમલાખોરોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે સંજય દત્ત કયા માળે રહે છે, તે કઈ કારમાં મુસાફરી કરે છે અને તેની સાથે નિયમિતપણે કોણ રહે છે. આ માહિતી મેળવવા માટે તેમણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર એવા વિડિયો અને રીલ્સ જોયા જેમાં સંજય દત્ત પોતાના ઘરેથી બહાર નીકળતા જોવા મળતો હતો. સૂત્રોના મતે તેમણે વિડિયોમાં દેખાતી કારને બિલ્ડિંગના પરિસરમાં પાર્ક કરેલી ગાડીઓ સાથે મેળવવાનો પણ પ્રયાસ કર્યો. જોકે તે કયા માળે રહે છે એ જાણી ન શક્યા અને તેમની કાર પણ ઓળખી ન શક્યા, એથી હુમલાખોરો જોઈતી માહિતી મેળવ્યા વિના જ એ વિસ્તારમાંથી જતા રહ્યા.
તપાસ સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાન અને સંજય દત્ત દાયકાઓથી મિત્રો અને સહકર્મીઓ રહ્યા છે. એથી સલમાન ખાનને સંદેશ આપવા માટે સંજય દત્તને એક ઑલ્ટરનેટિવ ટાર્ગેટ બનાવવામાં આવ્યો હોઈ શકે છે.