06 April, 2026 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજ
મુંબઈની રેલવેના ઇતિહાસમાં રવિવારે વધુ એક પ્રકરણનો અંત આવ્યો છે. પરેલ અને પ્રભાદેવી સ્ટેશનને જોડતા ૧૧૩ વર્ષ જૂના બ્રિટિશકાળના એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજને રવિવારે વહેલી સવારે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી માટે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે દ્વારા લેવામાં આવેલા મેગા બ્લૉક દરમ્યાન બ્રિજનું માળખું સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.
આ સાથે જ મધ્ય રેલવેએ CSMT-કુર્લા સેક્શન પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અત્યાર સુધીમાં પાંચ બ્રિટિશકાલીન પુલો તોડી પાડ્યા છે. અગાઉ મસ્જિદ બંદર, હૅનકૉક, કર્નાક અને સાયન બ્રિજ બાદ હવે એલ્ફિન્સ્ટન બ્રિજ પણ ઇતિહાસ બની ગયો છે.
શનિવાર-રવિવારની મધરાતે ખાસ ટ્રાફિક અને ઇલેક્ટ્રિક પાવર બ્લૉક લેવામાં આવ્યો હતો. રવિવારે સવારે કામગીરી પૂર્ણ થયા બાદ રેલવે-ટ્રૅક પરનો કાટમાળ ખસેડીને ટ્રેનવ્યવહાર નિયમિત કરવામાં આવ્યો હતો. જોકે સેન્ટ્રલ રેલવેની ટ્રેનોનું ટાઇમટેબલ બપોર સુધી ખોરવાયેલું રહ્યું હતું.
સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ‘૪ અને ૫ એપ્રિલની મધ્યરાત્રિએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને દાદર વચ્ચે ખાસ ટ્રાફિક અને પાવર બ્લૉક લેવામાં આવ્યો હતો. આ દરમ્યાન ૮૦૦ ટનની ક્ષમતા ધરાવતી હેવી-ડ્યુટી ક્રેન્સની મદદથી પુલના છેલ્લા ગર્ડર અને લૉન્ગીટ્યુડનલ બીમ હટાવવામાં આવ્યા હતા. એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજના સ્થાને હવે ‘વરલી-શિવડી એલિવેટેડ કૉરિડોર’ પ્રોજેક્ટના ભાગરૂપે અત્યાધુનિક ડબલ-ડેકર રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ નવો ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર આગામી બે વર્ષમાં તૈયાર થવાની ધારણા છે. આ જગ્યા ખાલી થવાથી કુર્લા અને પરેલ વચ્ચે બે વધારાની સબર્બન લાઇન નાખવાનો માર્ગ મોકળો થયો છે, જે ભવિષ્યમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ CSMT સુધી લંબાવવામાં આવશે.’
આ બ્રિજનું નિર્માણ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (GIPR) દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિજ તોડતી વખતે એ સમયની બે મહત્ત્વની તકતીઓ સુરક્ષિત રાખવામાં આવી છે જેમાં કૉન્ટ્રૅક્ટર બમનજી રુસ્તમજીના નામની પથ્થરની તકતી અને ગ્લાસગો (૧૯૧૧)ના મેટલ સીલનો સમાવેશ થાય છે. આ ઐતિહાસિક સ્મૃતિઓને નવા બનનારા પુલમાં સ્થાપિત કરવામાં આવશે.