05 September, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મટકી ફોડવાનો આનંદ મનની આંખોથી માણ્યો
આજના દહીહંડી ઉત્સવ માટે ગોવિંદા પથકોને આકર્ષવા થાણેના વિવિધ આયોજકો દ્વારા લાખો રૂપિયાનાં ઇનામોની જાહેરાત કરવામાં આવી છે. નવથી ૧૦ થરના માનવ-પિરામિડ રચવા માટે ઉત્સાહની સાથે-સાથે આ વખતે આયોજકો અને પોલીસે ગોવિંદાઓની સુરક્ષા અને ટ્રાફિકવ્યવસ્થા પર વિશેષ ભાર મૂક્યો છે.
સ્વામી પ્રતિષ્ઠાન (પાચપાખાડી અને હીરાનંદાની મેડોઝ) : વિધાનસભ્ય શિવાજીરાવ પાટીલ દ્વારા આયોજિત આ દહીહંડીમાં સૌથી વધુ ૭૧ લાખ રૂપિયાનાં કુલ ઇનામો રાખવામાં આવ્યાં છે. ગોવિંદાઓ માટે વર્લ્ડ-ક્લાસ સેફ્ટી-હાર્નેસ, પ્રોફેશનલ ગિઅર અને સંપૂર્ણ વીમા-કવચ પૂરું પાડવામાં આવશે.
ગોકુલ દહીહંડી (કૅસલ મિલ) : ડેપ્યુટી મેયર કૃષ્ણા પાટીલ દ્વારા આયોજિત ઉત્સવમાં પંચાવન લાખનું ઇનામ રખાયું છે.
સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન (વર્તકનગર) : વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક દ્વારા આયોજિત દહીહંડીમાં ૨૧ લાખથી ૫૧ લાખ રૂપિયા સુધીનાં ઇનામો આપવાની સાથે વર્લ્ડ રેકૉર્ડ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવશે.
સંકલ્પ પ્રતિષ્ઠાન (રાહેજા પાર્ક) : વિધાનસભ્ય રવીન્દ્ર ફાટક દ્વારા એકવીસમા વર્ષની ઉજવણી નિમિત્તે વર્લ્ડ રેકૉર્ડ તોડનાર ટીમને ૨૧ લાખ રૂપિયાનું ખાસ ઇનામ અને મહિલા ગોવિંદા ટીમો માટે વિશેષ રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યાં છે.
ટેમ્ભી નાકા અને અન્ય આયોજનો : દિવંગત આનંદ દિઘેના સમર્થકો દ્વારા ટેમ્ભી નાકામાં ૧૧ લાખથી માંડીને પચીસ લાખ રૂપિયાથી વધુનાં ઇનામો રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત જિતેન્દ્ર આવ્હાડ (પાચપાખાડી) અને અવિનાશ જાદવ (નૌપાડા) દ્વારા પણ મોટાં ઇનામોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ બાલકુમ અને નૌપાડા ખાતે દિવ્યાંગ બાળકો માટે ખાસ દહીંહંડીનું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસનો સખત બંદોબસ્ત
શાંતિપૂર્ણ અને સુરક્ષિત ઉજવણી માટે થાણેના પોલીસ-કમિશનરે પાંચ ઝોનમાં ૨૫૪ જેટલા જાહેર કાર્યક્રમોને મંજૂરી આપી છે. ભીડ પર નિયંત્રણ રાખવા અને સુરક્ષા માટે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV), સાદા ગણવેશમાં પોલીસ-અધિકારીઓ અને વધારાના પૅટ્રોલિંગ સાથે બહુસ્તરીય કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મટકી ફોડવાનો આનંદ મનની આંખોથી માણ્યો
શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડમાં ગઈ કાલે જોઈ ન શકતાં બાળકોએ પણ મટકી ફોડવાનો આનંદ લીધો હતો. - તસવીર : સમીર સૈયદ અબેદી