લાલબાગચા રાજાનાં ઝડપી દર્શન માટે પૈસા પડાવતો ટીનેજર પકડાયો

22 September, 2026 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઠગ યુવાનને પકડવામાં લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

લાલબાગચા રાજા

લાલબાગચા રાજાનાં ઝડપી ચરણસ્પર્શ દર્શન કરાવવાના બહાને બોગસ આઇડેન્ટિટી (ID) કાર્ડ બનાવીને પૈસા પડાવતા ૧૯ વર્ષના પ્રણવ યાદવની કાલાચૌકી પોલીસે અટકાયત કરી છે. ખાર રોડ વિસ્તારમાં રહેતા અને રિલાયન્સના આનંદ સેવા ટ્રસ્ટમાં હૉસ્પિટૅલિટી મૅનેજમેન્ટનું કામ કરતા ૨૦ વર્ષના ઇકબાલ મન્સૂરી અને તેના મિત્રો પાસેથી ૩૪૦૦ રૂપિયા લીધા બાદ આરોપી ‘ID કાર્ડ તૈયાર કરીને આવું છું’ એમ કહીને તેમને બે કલાક એક જગ્યાએ ઊભા રાખીને ફરાર થઈ ગયો હતો. બાદમાં તેનો ફોન-નંબર બંધ આવતાં છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું, જેના આધારે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઠગ યુવાનને પકડવામાં લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના સભ્યોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

ઇકબાલ મન્સૂરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે ૧.૪૫ વાગ્યે હું મારા મિત્રો દીપક દુશાંત, મંથન શિંદે અને ​હૃષીકેશ પવાર સાથે લાલબાગ વિસ્તારમાં કામ પર હતો. એ સમયે મારા મિત્રોએ ઝડપથી દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ દરમ્યાન મૅગ્નમ ટાવરના ગેટ નજીક અમને એક યુવક મળ્યો હતો, જેણે પોતાની ઓળખ પ્રણવ યાદવ તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તે લાલબાગચા રાજાનાં ચરણસ્પર્શ દર્શનની ખાસ વ્યવસ્થા કરાવી આપશે, પરંતુ એના માટે પ્રતિ વ્યક્તિ ૮૫૦ રૂપિયા પ્રમાણે ૪ લોકોના કુલ ૩૪૦૦ રૂપિયા ચૂકવવા પડશે. ઝડપથી દર્શન થઈ જશે એવી આશાથી મેં અને મારા મિત્રોએ પ્રણયને ૮૦૦ રૂપિયા ઑનલાઇન સ્કૅનર દ્વારા અને બાકીના ૨૬૦૦ રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા. પૈસા લીધા બાદ ID કાર્ડ તૈયાર કરીને આવું છું એમ કહીને પ્રણય દર્શનની વ્યવસ્થા કરવાનું કહીને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. બે કલાક સુધી રાહ જોયા છતાં તે પાછો ન આવતાં અમને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યાર બાદ અમે તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. જોકે તે મળ્યો નહોતો. અંતે અમે લાલબાગચા રાજા મંડળના કાર્યકરોને માહિતી આપતાં તેમની મદદથી રવિવારે છટકું ગોઠવીને પ્રણવ યાદવને અમે ઝડપી પાડ્યો હતો અને પોલીસમાં સોંપ્યો હતો. તેણે અનેક લોકો પાસેથી આ રીતે પૈસા લીધા હોવાનું જાણવા મળ્યું છે.’

mumbai news mumbai lalbaug Crime News mumbai crime news mumbai police