પ્રેગ્નન્સીના નામે આગોતરા જામીનની અરજી કરી નિદા ખાને

18 April, 2026 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાશિકના TCS-કાંડની ફરાર માસ્ટરમાઇન્ડના મામલામાં નવો ટ્‌‍વિસ્ટ : ફૅમિલી કહે છે કે તે મુંબઈમાં છે; તે HR ડિપાર્ટમેન્ટની હેડ નહીં પણ ટેલિકૉલર છે

નિદા ખાન

નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની હિન્દુ મહિલા કર્મચારીઓ પર જાતીય અત્યાચારના અને ધર્માંતરણના કેસમાં ફરિયાદી યુવતી દ્વારા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે આ કેસની મહત્ત્વની આરોપી છે તે નિદા ખાન હાલ ધરપકડ ટાળવા પોલીસથી નાસતી ફરી રહી છે. તેણે નાશિકની લોકલ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે અને એ માટે તેણે ગર્ભવતી હોવાનું કારણ આપ્યું છે. તેના પરિવારે એવો દાવો કર્યો છે કે હાલ તે મુંબઈમાં છે અને તેના પહેલા બાળકની ડિલિવરી કરવાની છે. પચીસ વર્ષની નિદા ખાને ડિસેમ્બર ૨૦૨૧માં TCS જૉઇન કરી હતી. કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે એટલે જામીનઅરજીમાં તેણે કરેલા દાવા સંદર્ભે હવે ચકાસણી કરવામાં આવશે. બીજી બાજુ અત્યાર સુધી નિદા ખાન એ કંપનીની હ્યુમન રિસોર્સિસ (HR) ડિપાર્ટમેન્ટની હેડ હોવાનું કહેવાતું હતું. હવે તેની ફૅમિલીનું કહેવું છે કે તે HR ડિપાર્ટમેન્ટની હેડ નહોતી, તે HR ટીમમાં પણ નહોતી પણ તે ટેલિકૉલર હતી અને માર્કેટિંગ ટીમમાં હતી.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક મહિલા છે. આરોપીઓ દ્વારા હિન્દુ મહિલા કર્મચારીઓને ચોક્કસ રીતે ટાર્ગેટ કરીને ધીમે-ધીમે ઇસ્લામ પંથે લઈ જવાનું કાવતરું ચાલી રહ્યું હતું. આરોપીઓએ આ માટે એક ખાસ વૉટ્સઍપ ગ્રુપ પણ બનાવ્યું હતું અને નિદા ખાન એ વૉટ્સઍપ ગ્રુપમાં પણ સંકળાયેલી હતી. 

નિદા ખાનના પતિની ચાર કલાક પૂછપરછ થઈ

કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના અધિકારીઓએ નિદાના મુંબ્રામાં રહેતા પતિની ગઈ કાલે ૪ કલાક પૂછપરછ કરી હતી. એમાં ખાસ કરીને નિદાની જૉબ, વર્ક-કલ્ચર અને કલીગ્સ વિશે સવાલો કરવામાં આવ્યા હતા. જોકે એમ છતાં SITના અધિકારીઓ મુખ્યત્વે ડિજિટલ પુરાવા જેમ કે ચૅટ, ઈ-મેઇલ, કૉલ ડીટેલ રેકૉર્ડ઼ વગેરે પર વધારે મદાર રાખી રહ્યા છે અને એને એકઠા કરીને એના આધારે કેસની તૈયારી કરી રહ્યા છે. 

બજરંગ દળના કાર્યકરોનું TCS સામે વિરોધ-પ્રદર્શન

બજરંગ દળના કાર્યકરોએ શુક્રવારે નાશિકમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં કથિત ધર્મપરિવર્તન અને જાતીય સતામણીમાં સામેલ આરોપીઓને કડક સજા આપવાની માગણી તેમના દ્વારા કરવામાં આવી હતી.

બૉલીવુડના ખાન લોકોને લીધે ફેલાઈ રહી છે લવ જેહાદ : નીતેશ રાણે

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને પ્રધાન નીતેશ રાણેએ લવ જેહાદના મુદ્દાને બૉલીવુડ સાથે જોડીને એક નવો વિવાદ ઊભો કર્યો છે. તાજેતરના એક કાર્યક્રમમાં બોલતાં નીતેશ રાણેએ દાવો કર્યો હતો કે આ ઘટના ખાન અટકધારી કલાકારોને દર્શાવતી ફિલ્મોનું પરિણામ છે જેને કારણે તેમના પોતાના પક્ષમાંથી જ આકરી ટીકા થઈ રહી છે.

પોર્ટ ડેવલપમેન્ટ વિભાગના પ્રધાણ નીતેશ રાણેએ જણાવ્યું હતું કે ‘લોકોએ હિન્દુ દેશભક્તિની ફિલ્મો જોવી જોઈએ, નહીં કે એવી ફિલ્મો જેમાં અભિનેતા ખાન હોય. એને કારણે સમાજમાં લવ જેહાદ થઈ રહી છે.’

જોકે તેમની જ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ નીતેશ રાણેનો વ્યક્તિગત વિચાર છે અને પાર્ટીએ એને સમર્થન આપ્યું નથી. હકીકતમાં પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે તેમણે BJPના કાર્યકર્તા તરીકે નીતેશ રાણેના મંતવ્યને સમર્થન આપ્યું નથી. લવ જેહાદના ચાલુ કિસ્સાઓ ખરેખર ચિંતાનો વિષય છે, પરંતુ એને બૉલીવુડની ફિલ્મો અથવા અભિનેતાઓ સાથે જોડી શકાય નહીં એમ તે નેતાએ વધુમાં જણાવ્યું હતું.

હું ઍક્સિસ બેન્કમાં હતી ત્યારે પણ આવા કિસ્સા બન્યા હતા : અમૃતા ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે નાશિક TCSમાં જાતીય અત્યાચાર અને ધર્માંતરણના પ્રકરણ બદલ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મને બહુ જ ખરાબ લાગી રહ્યું છે કે કૉર્પોરેટ્સમાં આવા કિસ્સા બની રહ્યા છે. હું ઍક્સિસ બૅન્કમાં હતી ત્યારે આવા કેસ મારી સામે બન્યા હતા. એ વખતે સિનિયર્સે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. જો આપણી સંસ્કૃતિ ફૉલો કરશે તો તેમની સાથે આવું નહીં બને.’ 

tcs nashik sexual crime nitesh rane amruta fadnavis maharashtra news mumbai mumbai news