ધારાશિવમાં ધ્વજવંદન દરમ્યાન સબ-ઇન્સ્પેક્ટર ઢળી પડ્યો, હાર્ટ-અટૅકને લીધે જીવ ગુમાવ્યો

28 January, 2026 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો

ધ્વજવંદન દરમ્યાન અચાનક ઢળી પડેલો પોલીસ સબ-ઇન્સ્પેક્ટર.

૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમ્યાન ધારાશિવ જિલ્લાના ઉમેરગા શહેરમાં એક પોલીસ-ઇન્સ્પેક્ટર ધ્વજવંદનના કાર્યક્રમ દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મોહન જાધવ કાર્યક્રમમાં સાથી કર્મચારીઓ સાથે ધ્વજવંદન કરવા માટે  ઊભો હતો ત્યારે અચાનક પડી ગયો હતો. પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ તેને હાર્ટ-અટૅક આવ્યો હતો.  

અંધેરીમાં નવમા માળના ફ્લૅટમાં ફટાકડાને કારણે આગ લાગી?

સોમવારે સાંજે ૬.૪૦ વાગ્યે અંધેરી-વેસ્ટના ચાર બંગલા વિસ્તારમાં આગની ઘટના નોંધાઈ હતી. એમાં ૨૧ માળના બિલ્ડિંગના નવમા માળે આવેલા ફ્લૅટની બાલ્કનીમાં આગ લાગી હતી. લોખંડવાલા ઓશિવરા રેસિડન્ટ્સ અસોસિએશનના સ્થાપક ધવલ શાહે કહ્યું હતું કે ‘એ વખતે રોડ પરથી ઉજવણીનું સરઘસ પસાર થઈ રહ્યું હતું અને ફટાકડા ફૂટી રહ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે રૉકેટ જેવો એક ફટાકડો એ ફ્લૅટની બાલ્કનીમાં ગયો હતો અને આગ લાગી હતી.’ સદ્ભાગ્યે આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. જોકે ફાયર-બ્રિગેડના ઑફિસરના કહેવા મુજબ આગ ચોક્કસ કયા કારણે લાગી એની તપાસ ચાલી રહી છે. આગ ત્યાર બાદ નવમા માળના એ ફ્લૅટમાં ફેલાઈ ગઈ હતી. સાંજના ૬.૪૦ વાગ્યે લાગેલી આગ પર આખરે મધરાત બાદ ૧૨.૫૫ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. જોકે એ દરમ્યાન ફ્લૅટ બળીને ખાખ થઈ ગયો હતો. 

પુણેમાં સગી જનેતાએ દીકરાને મારી નાખ્યો, દીકરી બચી ગઈ

પુણેના વાઘોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બહાર આવી છે. સગી જનેતાએ દીકરાની હત્યા કર્યા પછી દીકરીની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હત્યારી માતાને તાબામાં લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ જાયભાય પરિવાર મૂળ નાંદેડનો છે અને હાલ પુણેના વાઘોલી વિસ્તારમાં રહે છે. સોની જાયભાય એક પ્રાઇવેટ મૉલમાં કામ કરતી હતી. થોડા દિવસથી તેની નોકરી છૂટી ગઈ હતી. તેનો પતિ છૂટક કામ કરે છે. થોડા વખતથી તેના પતિ સાથે તેના ઝઘડા ચાલી રહ્યા હતા. ગઈ કાલે સવારે તેનો પતિ કામ પર નીકળી ગયા બાદ સોનીએ કોઈ કારણે ઉશ્કેરાટમાં આવીને પોતાના ૧૧ વર્ષના દીકરા સાઈરાજ પર ચાકુથી હુમલો કરી દીધો હતો અને તેનું ગળું ચીરી નાખ્યું હતું. એ જોઈને તેની ૧૩ વર્ષની દીકરી ગભરાઈ ગઈ હતી. સોનીએ તેના પર પણ હુમલો કરવાની કોશિશ કરી હતી, પણ તે ઘરમાંથી બહાર દોડી ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી એટલે પાડોશીઓ દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં જઈને જોયું તો સોનીએ તેના દીકરાની હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. 

સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની માગણી સાથે બૅન્ક-કર્મચારીઓએ પાળી હડતાળ

સપ્તાહમાં પાંચ દિવસ જ કામ કરવાની લાંબા સમયની માગણી સાથે ગઈ કાલે બૅન્કના કર્મચારીઓએ હડતાળ કરી હતી. શનિવારથી સોમવાર સુધી જાહેર રજા બાદ મંગળવારે રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર થતાં ૪ દિવસ બૅન્કનું કામકાજ અટવાયું હતું. પ્રાઇવેટ સેક્ટરની બૅન્કો પર અસર નહોતી થઈ, પરંતુ સરકારી બૅન્કોમાં હડતાળની અસર વર્તાઈ હતી. મુંબઈમાં પણ બૅન્કો ખૂલી હતી, પણ કર્મચારીઓએ હાજરી નહોતી આપી. અમે પણ માણસ છીએ, મશીન નહીં એવાં સ્લોગનો સાથેનાં પોસ્ટરો લઈને કર્મચારીઓએ પ્રદર્શનો કર્યાં હતાં. યુનાઈટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ સહિત ૯ બૅન્ક કર્મચારી યુનિયનોએ આ હડતાળમાં ભાગ લીધો હતો. અત્યારે બૅન્કો બીજા અને ચોથા  શનિવાર બંધ રહે છે, પણ હવે બૅન્ક-કર્મચારીઓને તમામભ શનિવારોએ રજા જોઈએ છે.

રાષ્ટ્ર પ્રથમ અંતર્ગત મહારાષ્ટ્રના બે કરોડ વિદ્યાર્થીઓએ પરેડ કરીને સરજ્યો વર્લ્ડ-રેકૉર્ડ

પ્રજાસત્તાક દિવસે મહારાષ્ટ્રમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ પહેલના ભાગરૂપે રાજ્યભરની એક લાખથી વધુ સ્કૂલના બે કરોડથી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં ગીતો સાથે એક તાલમાં પરેડ કરી હતી. આ કાર્યક્રમની નોંધ લંડનની વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સે લીધી હતી અને આ કાર્યક્રમને વિશ્વ રેકૉર્ડ ગણવામાં આવ્યો છે. ૭,૦૦,૦૦૦ શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભાગ લેનારી બધી સ્કૂલોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી. આ માટે સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે બધી સ્કૂલોમાં ૧૪ મિનિટનો ટર્નિંગ વિડિયો મૂક્યો હતો. ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની તૈયારી કરી હતી.

પરભણીમાં એક મતથી હારેલા BJPના ઉમેદવારે ફેર-મતદાનની માગણી કરી

પરભણીમાં શિવસેના (UBT)ના ઉમેદવાર સામે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં એક મતથી હારેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારે સ્થાનિક કોર્ટમાં પોતાના વૉર્ડમાં ફરીથી મતદાન કરાવવાની માગ કરી છે. એટલું જ નહીં, ચૂંટણી-પ્રક્રિયામાં છબરડાનો આરોપ પણ લગાડ્યો છે. શિવસેના (UBT)ના વ્યંકટ ડહાળેને પરભણીના વૉર્ડ-નંબર 1Aમાં ૪૩૧૨ મત મળ્યા હતા, જ્યારે BJPના પ્રસાદ નાગરેને ૪૩૧૧ મત મળ્યા હતા. પ્રસાદ નાગરેએ પરિણામ પછી ચૂંટણીપંચને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે ‘ચૂંટણીપંચને ફરિયાદ કર્યા બાદ અમે કોર્ટમાં પણ ગયા છીએ. પોસ્ટલ-વોટિંગની જોગવાઈ ફક્ત ચૂંટણી-ફરજ પર રહેલા લોકો માટે જ છે, પરંતુ કરિયાણાની દુકાનના માલિકને પણ આ પદ્ધતિ દ્વારા મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.’ તેમણે એવો પણ આરોપ લગાડ્યો કે તેમના વિરોધીના સંબંધીઓએ બે મતદાનમથકો પર મતદાન કર્યું હતું. BJPના અન્ય ઉમેદવાર દત્તા રેંગેએ પણ વૉર્ડ-નંબર 1Dના મતદાનના પરિણામ સામે વાંધો ઉઠાવ્યો છે. 

સ્કૂલમાં મરાઠી ફરજિયાત ભણાવાય છે કે નહીં એનો રિપોર્ટ આપવો પડશે

મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મંગળવારે એજ્યુકેશન કમિશનરને ૨૦૨૦માં દરેક સ્કૂલમાં મરાઠીને ફરજિયાત વિષય બનાવવાના આદેશના પાલન અંગે રિપોર્ટ આપવા જણાવ્યું છે. આ આદેશ દરેક બોર્ડની સ્કૂલને લાગુ પડે છે. ૨૦૨૦ની ૯ માર્ચના ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ મહારાષ્ટ્રમાં કોઈ પણ બોર્ડ સાથે જોડાયેલી સ્કૂલમાં મરાઠી શીખવવું ફરજિયાત છે. GRના અમલીકરણની ચકાસણી કરીને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. GRમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અમિત ઠાકરેના ગયા ઑગસ્ટના પત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં આદેશનો અમલ ન કરતી સ્કૂલો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

ગલગોટા, ગુલાબ, ચમેલી, રેડ વેલ્વેટનાં ૯૫,૨૮૦ ફૂલોથી લખાયેલા નવસારી શબ્દએ વર્લ્ડ-રેકૉર્ડ સરજ્યો

નવસારીમાં આવેલા લુન્સીકુઈ મેદાનમાં પહેલી વાર નવસારી મહાનગરપાલિકા દ્વારા રવિવારથી ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ૮x૪૯ ફુટની વિશાળ દીવાલ બનાવીને એના પર ગલગોટા, ગુલાબ, ચમેલી, રેડ વેલ્વેટનાં ૯૫,૨૮૦ ફૂલોનો ઉપયોગ કરીને નવસારી શબ્દ લખાયો છે જે લાર્જેસ્ટ ફ્લાવર વર્ડ અંતર્ગત વર્લ્ડ-રેકૉર્ડ જાહેર થયો છે. આ લાર્જેસ્ટ ફ્લાવર-વર્ડની સિ​દ્ધિ ગિનેસ બુક ઑફ રેકૉર્ડ‍‍્સમાં નવસારી મ્યુનિસિપલ કૉર્પોરેશનના નામે નોંધાઈ છે. આ પહેલાં લાર્જેસ્ટ ફ્લાવર-વર્ડ સાઉદી અરેબિયામાં હતો જેમાં ૯૦,૪૬૪ ફૂલોનો ઉપયોગ થયો હતો. આ રેકૉર્ડ નવસારીએ બ્રેક કર્યો છે. આ ફ્લાવર-શોમાં ૧૦ લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સ તેમ જ પચીસ જાતનાં ફ્લાવર ક્રૉપ અને ૪૦થી વધુ અલગ-અલગ જાતજાતનાં દેશી-વિદેશી ફૂલો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઇસરોનું સ્પેસ-રૉકેટ, વાઘ, સંસદભવન, નવસારીનો ઐતિહાસિક ટાવર સહિતની આકૃતિઓ બનાવી છે.

mumbai news mumbai independence day mumbai police heart attack