15 June, 2023 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નાગપુરમાં બુધવારે એક 19 વર્ષીય વિદ્યાર્થીએ અત્યંત સ્પર્ધાત્મક ગણાતી NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષામાં અપેક્ષિત કરતાં ઓછા માર્ક્સ મેળવ્યા બાદ કથિત રીતે આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીનું નામ ભાવેશ તેજુ સિંહ રાઠોડ છે. તેણે મંગળવારે રાત્રે છાપરાના હૂક સાથે બાંધેલા દોરડાનો ઉપયોગ કરીને પોતાના રૂમમાં ફાંસો લગાવી લીધો હતો.
મળતી માહિતી મુજબ રાઠોડ મૂળ વાશિમ જિલ્લાના કરંજા લાડ તાલુકાનો રહેવાસી હતો. પરંતુ એ તબીબી ડૉક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે નાગપુરમાં સ્થળાંતર થયો હતો. મંગળવારે જ્યારે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે તેણે કુલ 720માંથી 588 માર્ક્સ મેળવ્યા હતા. જે તેની અપેક્ષા કરતાં સાવ ઓછા માર્કસ હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે, અપેક્ષિત કરતાં ઓછા માર્કસ આવવાથી નારાજ થયેલા કિશોરે આત્મહત્યા કરી લીધી છે. સબ-ઇન્સ્પેક્ટર રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું કે રાઠોડના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે ઓછા માર્કસને કારણે તેની નિરાશા વ્યક્ત કરી હતી.
આવી જ એક ઘટના મે મહિનાની શરૂઆતમાં ગોરેગાંવ પૂર્વમાં પાંડુરંગ વાડીમાં બની હતી. જેમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ કથિત રીતે તેના ઘરે જ આત્મહત્યા હતી. આ ઘટનામાં મૃતક વિધ્યાર્થીની ઉંમર 13 વર્ષની હતી. મળતી માહિતી મુજબ તેણે 7મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. તે 8મા ધોરણમાં પ્રવેશ્યો હતો. તે તેના માતા-પિતા અને નાના ભાઈ સાથે ગોરેગાંવ પૂર્વની પાંડુરંગ વાડીમાં રહેતો હતો.
આ વર્ષે આત્મહત્યા દ્વારા બાળકોના અનેક કેસ નોંધાયા છે. આ જ વર્ષે એપ્રિલ મહિનામાં માલવાનીની એક 15 વર્ષની છોકરીએ કથિત રીતે મુંબઈના મલાડમાં એક ઈમારત પરથી કૂદકો લગાવીને આત્મહત્યા કરી હતી. તે પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવતી હોવાથી તેના પરિવારે તેની પાસેથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો. માત્ર આટલી નજીવી બાબતને લઈને એણે આત્મહત્યા કરી લીધી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ઘરેથી ભાગી ગઈ હતી અને મલાડના લિબર્ટી ગાર્ડન પહોંચતા પહેલા સાત માળની એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરીને મૃત્યુ પામી હતી. આ તેનો આત્મહત્યાનો બીજો પ્રયાસ હતો. મૃતક તેના માતા-પિતા અને ત્રણ બહેનો સાથે માલવાણીમાં રહેતી હતી. પોલીસ દ્વારા બાળકીની ઓળખ કરવામાં આવી હતી. તેના માતા-પિતાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જે દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે બાળકી "ડિપ્રેશન"થી પીડિત હતી. તે મલાડની કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9માં ભણતી હતી. તેના પિતા મની ટ્રાન્સફર કરતી એક દુકાનમાં કામ કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા અને બાળકીને ડો. બાબાસાહેબ શતાબ્દી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી”