મહિલા છો? ટૂરિઝમના ક્ષેત્રમાં આ‍ૅન્ટ્રપ્રનર બનવું છે? મહારાષ્ટ્ર સરકાર બની રહી છે મદદગાર

10 March, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓને સશક્ત બનાવવા અને પર્યટનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલી આઈ પર્યટનનીતિને રાજ્યમાં મળ્યો જોરદાર પ્રતિસાદ

પ્રતીકાત્મક તસવીર

ટૂરિઝમ ક્ષેત્રમાં મહિલાઓને વ્યવસાયની અને નેતૃત્વકૌશલ્ય વિકસાવવાની તક પૂરી પાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી ‘આઈ’ પર્યટન નીતિને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજનાને ૪૨૦૦ અરજી મળી છે જેમાંથી ૩૨૯૨ લેટર ઑફ ઇન્ટેન્ટ જનરેટ કરવામાં આવ્યા છે. લગભગ ૯૦૦ લોન મંજૂર કરવામાં આવી છે જે ૭૨.૪૯ કરોડ રૂપિયા જેટલી છે. આ ઉપરાંત વ્યાજની ભરપાઈ માટે ૧.૬૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જે મહિલા ઉદ્યોગસાહસિકો માટે સરકારની નાણાકીય સહાય
દર્શાવે છે.

આ સરકારી પૉલિસી અંતર્ગત મહિલા ઉદ્યોગસાહસિકો કૃષિ-પર્યટન સાહસો, ખાણીપીણી, રેસ્ટોરાં, કૅફે, હોમસ્ટે, સાહસિક પર્યટન પ્રોજેક્ટ્સ અને હાઉસબોટ સહિત વિવિધ પર્યટન સંબંધી વ્યવસાય શરૂ કરી શકે છે. આ પૉલિસીથી મહિલા પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત થશે, મહિલા પ્રવાસીઓ માટે કસ્ટમાઇઝ્‍ડ સેવાઓ અને છૂટછાટ પૂરી પડાશે અને એકંદરે પર્યટનને પ્રોત્સાહન આપવામાં આવશે.

પર્યટનપ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે ‘આ નીતિ ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં પર્યટન ક્ષેત્રને મજબૂત બનાવતી વખતે મહિલાઓની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે.

વ્યાજમુક્ત લોન અને વર્ષનો ટેકો

આ પૉલિસીનો ઉદ્દેશ રાજ્યના દરેક તાલુકામાં મહિલાઓની માલિકીના અને સંચાલિત ૧૦ જેટલાં ટૂરિઝમ-સંબંધિત એન્ટરપ્રાઇઝિસ સ્થાપિત કરવાનો છે. વળી એ માટે ૭ વર્ષ સુધીની  વ્યાજભરપાઈ સુવિધા સાથે ૧૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે.

કોણ અપ્લાય કરી શકે?

આ પૉલિસીમાં અપ્લાય કરવા માટે ટૂરિસ્ટ-બિઝનેસ ડિરેક્ટરેટ ઑફ ટૂરિઝમમાં નોંધાયેલો હોવો જોઈએ અને મહિલાઓની માલિકીનો અને મહિલા દ્વારા સંચાલિત હોવો જોઈએ. મહિલાઓની માલિકીની ટૂર અને ટ્રાવેલ-એજન્સીઓના કિસ્સામાં ઓછામાં ઓછી ૫૦ ટકા કર્મચારી મહિલાઓ હોવી જોઈએ.

મહિલા સ્ટાફ માટે વીમો અને પ્રીમિયમ

રજિસ્ટર્ડ ટૂરિસ્ટ બિઝનેસમાં કામ કરતા ટૂર-ગાઇડ, ડ્રાઇવર અને ટૂર-ઑપરેટરો જેવી મહિલા કર્મચારીઓને પણ સરકારી વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવશે જેમાં સરકાર પ્રથમ પાંચ વર્ષ માટે પ્રીમિયમ ચૂકવશે.

ડિસ્કાઉન્ટ પૅકેજ

મહિલા પ્રવાસીઓને મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MTDC) ઑપરેટરો દ્વારા ગોઠવાયેલા ટૂરિસ્ટ સર્કિટ અને પૅકેજ પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. વધુમાં મહિલાઓને વર્ષમાં  ૨૩ સ્પેસિફિક દિવસ MTDC રિસૉર્ટમાં ઑનલાઇન બુકિંગ પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે ૧થી ૮ માર્ચનો સમાવેશ હોય છે.

 

mumbai news mumbai travel news mumbai travel maharashtra government maharashtra news maharashtra culture news