11 July, 2024 10:59 AM IST | Mumbai | Samiullah Khan
રમાબાઈ પિસાળ
લૅમિંગ્ટન રોડ પર રહેતા ૭૮ વર્ષની માતાને ચાકુના બાવીસ ઘા કરીને મારી નાખનારા ૬૪ વર્ષના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માતા રાતના સમયે ઘરકામ કરતી હોવાથી તેને ઊંઘતી વખતે ખલેલ પડતી હતી એટલે ગુસ્સાના આવેશમાં મંગળવારે રાતે તેણે માતાની કરપીણ હત્યા કરી હતી. માતા રમાબાઈ નાથુ પિસાળની હત્યા માટે પુત્ર સુભાષ વાઘની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડમાં પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
રોજ ઝઘડા થતા
આ ઘટના સંદર્ભે સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું કે માતા અને પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, પણ આવું થશે એવી કલ્પના નહોતી. પોલીસે કહ્યું હતું કે વધતી જતી ઉંમરને કારણે રમાબાઈ પિસાળને રાતે વહેલી ઊંઘ આવતી નહોતી એટલે મોડી રાત સુધી તે ઘરકામ કરતી રહેતી હતી. રાતે સુભાષ ઘરે સૂતો હોય ત્યારે તેને ખલેલ પડતી હતી અને બન્ને વચ્ચે ઝઘડા થતા. બનાવની રાતે પણ આ મુદ્દે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં આવીને સુભાષે માતા પર હુમલો કર્યો હતો અને તેને મારી નાખી હતી. હત્યા કર્યા બાદ સુભાષ વાઘે બાજુની રૂમમાં રહેતા તેના ભત્રીજાને ઉઠાડ્યો હતો અને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે તાત્કાલિક ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
પિસાળનાં બે વાર લગ્ન
પોલીસ-તપાસમાં જાણવા મળ્યું હતું કે રમાબાઈ પિસાળે બે વાર લગ્ન કર્યાં હતાં અને બન્ને લગ્નથી તેને ચાર-ચાર સંતાનો હતાં. તેના બન્ને પતિ અને ત્રણ સંતાનો મૃત્યુ પામ્યાં છે. હાલમાં તે પહેલા પતિથી થયેલા પુત્ર સુભાષ સાથે આ ઘરમાં રહેતી હતી. સુભાષની પત્ની તેને છોડીને જતી રહી છે. સુભાષ બેકાર છે અને તે માતા સાથે રહે છે. માતાએ તેના નાના ઘરને બે ભાગમાં વહેંચી દીધું છે, એક ભાગમાં તેનો બીજો પુત્ર તેના પરિવાર સાથે રહે છે.
શાકભાજી વેચવાનાં લાઇસન્સ
પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે રમાબાઈ પિસાળ અને સુભાષ વાઘ પાસે ગ્રાન્ટ રોડમાં સુધરાઈની શાકભાજી માર્કેટમાં લાઇસન્સ ધરાવતો શાકભાજી-સ્ટૉલ છે અને એ ભાડે આપી દીધો છે. એનું ભાડું જ આ મા-દીકરાની આવકનું સાધન હતું.
શરીર પર મળ્યા બાવીસ ઘા
પોલીસને આ ઘટનાની જાણકારી મળતાં તેમણે રમાબાઈ પિસાળને જે. જે. હૉસ્પિટલમાં ખસેડી હતી અને ડૉક્ટરોએ તપાસીને તેને મૃત ઘોષિત કરી હતી. માતા પર જંગલી રીતે હુમલો કરીને તેનું ગળું, છાતી અને પેટ પર ચાકુથી બાવીસ ઘા કરવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં વાપરવામાં આવેલા હથિયારને જપ્ત કરી લીધું છે.