24 January, 2025 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ગઈ કાલે માગણી કરી હતી કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન અવૉર્ડ આપવામાં આવે. ગઈ કાલે બાળાસાહેબ ઠાકરેની ૯૯મી જન્મજયંતી હતી ત્યારે સંજય રાઉતે કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની લીડરશિપની સરકારે એવા ઘણા લોકોને ભારત રત્ન આપ્યો છે જે ખરેખર એના હકદાર ન હોય, પણ જે વ્યક્તિએ ખરેખર દેશમાં હિન્દુત્વની વિચારધારાનો પાયો નાખ્યો તેમને ભારત રત્ન મળવો જોઈએ. તેમને કેમ ભારતરત્ન નથી આપતા? હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન મળવો જ જોઈએ એવી અમારી શિવસેનાની માગણી છે.’
આવતા વર્ષે બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતીનું શતાબ્દી વર્ષ છે એના સંદર્ભે સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘તેમની જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થાય એ પહેલાં જ ભારત રત્ન આપી દેવો જોઈએ. તમે વીર સાવરકરને તો અવૉર્ડ આપી શકવાના નથી. જો તમે બાળાસાહેબ ઠાકરેને એ અવૉર્ડ આપશો તો વીર સાવરકરનું પણ સન્માન કર્યું ગણાશે.’