27 November, 2024 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ પર વિધાનસભ્યોની અપાત્રતાના કેસનો નિર્ણય ન આપવાનો આરોપ મૂકીને તેમના માટે કહ્યું હતું કે ઇતિહાસ ચીફ જસ્ટિસને માફ નહીં કરે અને તેમનું નામ કાળા અક્ષરોમાં લખાશે. સંજય રાઉતનું કહેવું છે કે જો ચીફ જિસ્ટસે આ બાબતે ચુકાદો આપી દીધો હોત તો આજે રાજ્યની પરિસ્થિતિ જુદી હોત અને મહાયુતિની સરકાર પણ ન આવી હોત.
જોકે તેમના આ બધા આક્ષેપોના સંદર્ભમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘આ બાબતે મારો જવાબ બહુ જ સરળ છે. આખું વર્ષ અમે બંધારણને લગતા લૅન્ડમાર્ક લીગલ કેસમાં હતા. અમારી નવ જજની બેન્ચ, સાત જજની બેન્ચ, પાંચ જજની બેન્ચે આ બધા ચુકાદા આપ્યા હતા. શું કોઈ વ્યક્તિ કે પાર્ટી નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટે કયા કેસ સાંભળવા જોઈએ? સૉરી, પણ એ પસંદગી ચીફ જસ્ટિસની જ રહેશે.’
ત્યાર બાદ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘કામના સમયે અમે એક મિનિટ માટે પણ કામ ન કરતા હોઈએ તો તમારે અમને જરૂર પૉઇન્ટ આઉટ કરવા જોઈએ. આવી આલોચનામાં કંઈ ખોટું નથી. બંધારણને લગતા મહત્ત્વના કેસો છેલ્લાં ૨૦ વર્ષથી સુપ્રીમ કોર્ટની સામે પેન્ડિંગ છે. આવા સમયે સુપ્રીમ કોર્ટ આ કેસોને લેવાને બદલે તાજેતરમાં દાખલ થયેલા કેસને પ્રાધાન્ય કઈ રીતે આપી શકે? અને જ્યારે તમે આવા જૂના કેસ હાથમાં લો ત્યારે તમને કહેવામાં આવે છે કે તમે પેલો કેસ કેમ ન હાથમાં લીધો.’