27 November, 2024 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોપીચંદ પડાળકર
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જબરદસ્ત વિજય મળ્યો છે અને મહા વિકાસ આઘાડીનાં સૂપડાં સાફ થઈ ગયાં છે ત્યારે આવું રિઝલ્ટ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ કરીને આવ્યું હોવાનો આરોપ મહા વિકાસ આઘાડીના નેતા કરી રહ્યા છે. શરદ પવારે ગઈ કાલે EVM મામલે કાનૂની લડત લડવાની જાહેરાત કરી હતી. આ વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય ગોપીચંદ પડાળકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘શરદ પવારે હવે સ્વૈચ્છિક રાજકીય નિવૃત્તિ લેવાની જરૂર છે. આ નિર્ણય તેમણે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ લઈ લેવો જોઈતો હતો. શરદ પવારે લોકસભાની ચૂંટણીમાં મોટો વિજય મેળવ્યા બાદ જનતા મહાયુતિને વિધાનસભાની ચૂંટણીમાં પણ હરાવશે એવું કહ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ તેમને તેમની જગ્યા દેખાડી દીધી છે. હવે શરદ પવાર નામનો અધ્યાય મહારાષ્ટ્રના રાજકારણમાં પૂરો થયો છે.’