પનવેલમાં સગીરા પર બળાત્કાર કરનારો સ્કૂલ-વૅનનો ડ્રાઇવર ઝડપાયો

16 March, 2025 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે પુરાવા ભેગા કરવા આરોપીની વૅન પણ તાબામાં લઈ એને ફૉરેન્સિક તપાસ માટે મોકલાવી છે. સાથે જ આરોપીના બૅકગ્રાઉન્ડની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈના પનવેલમાં ત્રીજી માર્ચે સગીરા પર બળાત્કારની ઘટના ઘટી હતી. જોકે એ પછી તે આઘાતમાં હતી અને થોડા દિવસો બાદ તેણે આ વિશે પરિવારને માહિતી આપતાં પનવેલ પોલીસે સ્કૂલ-વૅન ચલાવતા આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાના દિવસે ત્રીજી માર્ચે સગીરા કૉલેજ જઈ રહી હતી ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા સ્કૂલ-વૅન ચલાવતા આરોપીએ તેને વાતોમાં ભોળવીને પોતાની વૅનમાં બેસાડી અને ત્યાર બાદ પનવેલના ચિંચવલી શિવારાના નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ ઘટનાને કારણે સગીરાને આઘાત લાગ્યો હતો. તેણે શરૂઆતમાં તો ઘરમાં કોઈને કશું કહ્યું નહી. જોકે એ પછી પરિવારને તેણે આ બાબતે વાત કરતાં તેઓએ તેને હિંમત આપી હતી અને એથી ગુરુવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની બળાત્કારની કલમ સહિત પીડિતા સગીર હોવાથી આરોપી સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૧૮ માર્ચ સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી. પોલીસે પુરાવા ભેગા કરવા આરોપીની વૅન પણ તાબામાં લઈ એને ફૉરેન્સિક તપાસ માટે મોકલાવી છે. સાથે જ આરોપીના બૅકગ્રાઉન્ડની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

panvel navi mumbai Rape Case sexual crime Protection of Children from Sexual Offences Act POCSO crime news mumbai crime news news mumbai police mumbai mumbai news