13 May, 2026 10:03 AM IST | Sangli | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી કાળજું કંપાવનારા સમાચાર (Sangli Wall Collapse) સામે આવી રહ્યા છે. ચક્રવાતને કારણે એક મંદિરની ભીંત ધરાશાયી થઈ હતી જેને કારણે છ ભાવિકોના મોત થયા છે અને આ હાદસામાં અનેક લોકો ઘાયલ થયા છે. નાનકડા બાળકો પણ કાળનો કોળિયો બની ગયા હોઇ આખા પરિસરમાં શોકનો માહોલ છવાયો છે.
મોટેવાડીમાં આવેલ મરગુબાઈ મંદિરમાં આ હાદસો (Sangli Wall Collapse) બન્યો છે. દર મંગળવારે અહીં મોટી સંખ્યામાં ભાવિકભક્તોની હાજરી રહેતી હોય છે. નૈવેદ્ય માટે મોટા શેડ પણ ઊભા કરવામાં આવે છે. મંગળવારે સાંજે જ્યારે તોફાની પવનો ફૂંકાતા હતા તેવે સમયે ભાવિકભક્તો પોતાનો જીવ બચાવવા આ શેડ તરફ દોડ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર શેડનું બાંધકામ કાચું હોવાથી તે ધરાશાયી થઈ ગયા હતા. શેડનો પાયો મજબૂત ન હોવાથી તે તોફાની પવનોમાં ટકી શક્યો નહીં અને પરિણામે આ દુર્ઘટના બની છે.
જત તાલુકામાં આવેલ મોટેવાડી ખાતે મરગુબાઈ દેવીની જાત્રા યોજાઇ હતી. આ જાત્રાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મોટેવાડીમાં ગઇકાલ રાતથી જ ભારે વરસાદ થયો હતો. આ સાથે જ પવનની ગતિ પણ તીવ્ર હતી. અચાનકથી આંધી જેવી સ્થિતિ સર્જાતાં કેટલાક ભક્તો પોતાનો જીવ બચાવવા મરાગુબાઈ મંદિરમાં બનાવવામાં આવેલ શેડમાં દોડી આવ્યા હતા. કામચલાઉ અને ખૂબ જ નબળો પાયો ધરાવતા આ શેડની બાજુની દીવાલ તૂટી પડી હતી. જેને કારણે શેડનો આશ્રય લઈને ઉભેલા કેટલાક ભાવિકભક્તો દબાઈ ગયા (Sangli Wall Collapse) હતા. તોફાની પવન અને વરસાદને કારણે ભક્તોએ જે શેડની દીવાલમાં આશ્રય લીધો હતો તે દીવાલ ઈંટના ચણતરની હોવાથી ધસી પડી હતી. દુર્ભાગ્યવશ અમુક ભક્તોના ત્યાંને ત્યાં જ રામ રમી ગયા હતા.
મૃતકોની ઓળખ અરુણ વિષ્ણુ ગેજગે (14), સોન્યા લક્ષ્મણ ગેજગે (14), વિજયપુર) અને કોંડીબા રાઉબા ગેજગે (65), શંકર આબા લોખંડે (80) પંડોરી, મંગલ ભાઉ સાહેબ મોટે (45) અને સંગીતા રામચંદ્ર ચૌધરી (42) તરીકે થઈ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા છે, અન્ય ઘાયલોની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજા ૧૨-૧૪ લોકો ઘાયલ થયા છે એવી માહિતી સામે આવી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
સાંગલીના પોલીસ અધિક્ષક તુષાર દોશીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ મંદિરમાં મંગળવારને દિવસે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આ દુર્ઘટના બની ત્યારે મંદિર પરિસરમાં લગભગ ૩૫૦ જેટલા ભક્તો હતા. સાંજે ભારે વરસાદ સાથે અચાનક ભારે પવન ફૂંકાતા ભક્તોએ મંદિરની દિવાલની બાજુમાં બનાવાયેલ શેડમાં આશ્રય લીધો હતો. પણ ભારે પવનને કારણે દિવાલ અને શેડ અચાનક તૂટી પડ્યાં (Sangli Wall Collapse) હતા. જેથી શેડની નીચે ઉભેલા ભક્તો દબાઈ ગયા હતા.