Salman Khan Threat : સલમાનને ધમકી આપનાર ઝારખંડનો શાકવાળો ઝડપાયો- ટીવીમાંથી મળી હતી પ્રેરણા!

24 October, 2024 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Salman Khan Threat: આ આરોપીએ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી

સલમાન ખાન અને આરોપી શેખ હુસેન શેખ મૌસીન (ફાઇલ તસવીર)

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા અવારનવાર ધમકીભર્યા મેસેજ (Salman Khan Threat) આવતાં રહે છે. તાજેતરમાં જ મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈનને આવો જ એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો જેમાં અજાણી વ્યક્તિએ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. હવે આ મેસેજ મોકલનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં વરલી પોલીસે ઝારખંડના 24 વર્ષીય એક શકભાજી વેચતા યુવકને દબોચી લીધો છે.

ટીવી જોઈને આ શખ્સને આ કાવતરું કરવાનો આઇડિયા મળ્યો હતો 

ચોંકાવનારી વાત તો એ છે કે આ કેસ (Salman Khan Threat)માં જે આરોપીને દબોચી લેવાયો છે તેને ટીવી જોતાં જોતાં આ રીતે સલમાન ખાનને ધમકાવવાનું કાવતરું ઘડવાનો આઇડિયા આવ્યો હતો. આરોપીએ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વચ્ચે ચાલી રહેલા આ ઘમસાણનો લાભ લઈને ધમકી મોકલવાનો પ્લાન કર્યો. આ જ કારણોસર તેણે ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ સેન્ડ કર્યો હતો. જોકે, બે દિવસ બાદ આ આરોપીએ એક અન્ય મેસેજ દ્વારા માફી માંગી હતી. ધમકીનો મેસેજ મોકલતા તો મોકલાઈ ગયો બાદમાં જ્યારે વર્લી પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેને પકડાઈ જવાનો અને ગંભીર પરિણામનો ડર લાગ્યો. અને પૂછપરછ દરમિયાન તેણે ટ્રાફિક પોલીસને માફી માંગતો બીજો સંદેશ સેન્ડ કર્યો હતો આ પોસ્ટમાં તેણે પોતે ભૂલ કરી હોવાનું કબૂલ્યું હતું અને અને બિશ્નોઈ ગેંગ સાથે તેનો કોઈ સંબંધ ન હોવાની વાત કરી હતી. આ કેસમાં આરોપીને મુંબઈ લાવીને ધરપકડ કરવામાં આવશે એવી માહિતી સૂત્રોએ આપી છે.

Salman Khan Threat: તમને જણાવી દઈએ કે પ્રાપ્ત અહેવાલો અનુસાર આ આરોપીની ધરપકડ બાદ તેને વર્લી પોલીસ દ્વારા ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે ઝારખંડની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આ પ્રક્રિયા બાદ તેને મુંબઈ લાવવામાં આવશે. 

ક્યારે આ આરોપીએ ધમકીનો મેસેજ મોકલ્યો હતો?

ઝારખંડના શાકભાજી વિક્રેતા આરોપીએ 17 ઓક્ટોબરના રોજ બપોરે ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનો દાવો કરતાં સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચેની દુશ્મનીનો અંત લાવવા માટે રૂપિયા 5 કરોડની માંગણી (Salman Khan Threat) કરી હતી. એટલું જ નહીં તેણે એવી પણ ધમકી આપી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો સલમાન ખાનને બાબા સિદ્દીકની જેમ જ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

હાલમાં મુંબઈની વરલી પોલીસ આરોપીને મુંબઈ લાવવાની વ્યવસ્થા કરી રહી છે. છેલ્લા પાંચથી છ દિવસથી વર્લી પોલીસની ટીમ ઝારખંડમાં આરોપીને શોધી રહી હતી. જહેમત બાદ આખરે તે પકડાઈ ગયો છે.

mumbai news mumbai Salman Khan lawrence bishnoi mumbai traffic police worli jharkhand Crime News mumbai crime news