છ દિવસ બાદ હૉસ્પિટલમાંથી ઘરે ગયેલા સૈફ અલી ખાને મહિનો આરામ કરવો પડશે

22 January, 2025 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સર્જરી કર્યા પછી સૈફ અલી ખાનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેને હૉસ્પિટલમાં રાખવાની જરૂર નથી

ગઈ કાલે હૉસ્પિલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા પછી ઘરે પહોંચેલો સૈફ અલી ખાન. (તસવીર - સતેજ શિંદે)

ગઈ કાલે બપોર પછી સૈફ અલી ખાનને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવતાં હુમલો થયાના તે છઠ્ઠા દિવસે ઘરે પહોંચ્યો હતો. જોકે ડૉક્ટરોએ ૫૪ વર્ષના સૈફને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમય દરમ્યાન ડૉક્ટરે તેને વજન ઉપાડવાની, જિમમાં જવાની કે શૂટિંગ કરવાની પણ ના પાડી છે.

લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા મુજબ સૈફને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો ત્યારે તેના હાથમાં બે અને ગળાની જમણી બાજુએ નાના જખમ હતા, જ્યારે પીઠમાં કરોડરજ્જુમાં મોટી ઈજા થયેલી હતી. પીઠમાં સર્જરી કરીને ચાકુનો અઢી ઇંચ લાંબો ટુકડો કાઢવામાં આવ્યો હતો. આ સર્જરી કર્યા પછી સૈફ અલી ખાનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તેને હૉસ્પિટલમાં રાખવાની જરૂર નથી એટલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૈફ પોતાના સતગુરુ શરણ બિ‌લ્ડિંગને બદલે બાજુમાં જ આવેલા તેના જૂના ઘરે ગયો હતો. ફૉર્ચ્યુન હાઇટ્સમાં સફેદ શર્ટ અને જીન્સમાં સૈફે હીરોની જેમ જ એન્ટ્રી મારી હતી. તેના હાથ અને કાનની પાછળની બાજુ બૅન્ડેજ હતું.

સૈફના ઘરે સેફ્ટી ગ્રિલ અને CCTV બેસાડવાનું કામ શરૂ


ગઈ કાલથી સૈફના સતગુરુ શરણ બિ‌લ્ડિંગના ફ્લૅટની ફરતે જે પણ ઓપન એરિયા છે ત્યાં સેફ્ટી ગ્રિલ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય સૈફના આ ઘરની બહાર કે અંદર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ન હોવાથી એ પણ લગાવવામાં આવી રહ્યા છે. પોલીસને CCTV કૅમેરા ન હોવાથી તપાસ દરમ્યાન શરૂઆતમાં આરોપી કેવી રીતે આવ્યો અને ક્યાંથી ગયો એ જાણવામાં વાર લાગી હતી અને એમણે CCTV ન હોવાથી આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું.

સતગુરુ શરણ બિલ્ડિંગના ઘરમાંથી ગઈ કાલે સૈફ-કરીનાનો સામાન ફૉર્ચ્યુન હાઇટ‍્સ બિલ્ડિંગમાં આવેલા જૂના ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તસવીર ઃ સતેજ શિંદે

mumbai news mumbai saif ali khan lilavati hospital Crime News