23 January, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીલાવતી હૉસ્પિટલમાં સૈફ અલી ખાન સાથે રિક્ષાચાલક ભજનસિંહ રાણા.
૧૬ જાન્યુઆરીની મધરાતે લોહીલુહાણ હાલતમાં સૈફ અલી ખાનને બાંદરા-વેસ્ટમાં આવેલી લીલાવતી હૉસ્પિટલ પહોંચાડનાર રિક્ષાચાલક ભજનસિંહ રાણા સાથે સૈફ અલી ખાનનો ફોટો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. મંગળવારે બપોર બાદ સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. એ પહેલાં સૈફે પોતાને ઘાયલ હાલતમાં હૉસ્પિટલ પહોંચાડનાર રિક્ષાચાલક ભજનસિંહ રાણાને હૉસ્પિટલ બોલાવ્યો હતો. સૈફે ભજનસિંહને થોડા રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
સૈફ અલી ખાન સાથેના ફોટો વિશે રિક્ષાચાલક ભજનસિંહ રાણાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સૈફ અલી ખાને મને કૉલ કરીને મંગળવારે હૉસ્પિટલ આવવા કહ્યું હતું. આથી હું લીલાવતી હૉસ્પિટલ ગયો હતો. હુમલા બાદ મેં તેમને હૉસ્પિટલ પહોંચાડ્યા હતા એટલે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તેમની મમ્મી શર્મિલા ટાગોરની ઓળખાણ કરાવતાં મેં તેમને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. મારી સાથે અભિનેતાએ એક બાજુ ઊભા રહીને હૉસ્પિટલના બેડ પર બેસીને ફોટો પડાવ્યા હતા. બાદમાં મને કવરમાં રૂપિયા આપ્યા હતા અને સૈફે જ્યારે પણ કોઈ મદદની જરૂર પડે તો યાદ કરવા કહ્યું હતું.’
રિક્ષાચાલક ભજનસિંહ રાણાએ સૈફે તેને કેટલા રૂપિયા આપ્યા છે એ જાહેર નથી કર્યું, પણ એક રિપોર્ટ મુજબ સૈફે તેને ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા.
સિંગર મિકા સિંહ ૧ લાખ રૂપિયા આપશે
સૈફ અલી ખાનને લીલાવતી હૉસ્પિટલમાં લઈ જનાર રિક્ષાચાલક ભજનસિંહ રાણાને એક સામાજિક કાર્યકરે ૧૧,૦૦૦ રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જાણીતા સિંગર મિકા સિંહે તેના ઇન્ટાગ્રામ અકાઉન્ટમાં લખ્યું હતું કે ‘હું માનું છું કે ભારતના ફેવરિટ સુપરસ્ટારને બચાવવા માટે રિક્ષાચાલક ભજનસિંહને ૧૧ લાખ રૂપિયા ઇનામ આપવું જોઈએ. તેનું આ વીરતાપૂર્વકનું કાર્ય ખરેખર કાબિલેદાદ છે. શક્ય હોય તો કોઈ તેનો કૉન્ટૅક્ટ-નંબર શૅર કરો. હું તેને પ્રશંસાના પ્રતીક તરીકે ૧ લાખ રૂપિયા આપવા માગું છું.’