26 February, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આખરે રણવીર અલાહાબાદિયા પોલીસ સમક્ષ થયો હાજર
અત્યાર સુધી પોલીસ-તપાસથી ભાગતો ફરતો યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયા અને ઇન્ફ્લુએન્સર આશિષ ચંચલાણી ગઈ કાલે મહારાષ્ટ્ર પોલીસના નવી મુંબઈમાં આવેલા સાઇબર હેડક્વૉર્ટરમાં સ્ટેટમેન્ટ નોંધાવવા હાજર રહ્યા હતા.
આ પહેલાં સાઇબર પોલીસે તેમને સમન્સ ઇશ્યુ કર્યા હતા, પણ તેઓ હાજર નહોતા રહેતા. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે રણવીર અલાહાબાદિયાની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો, પણ તેને પોલીસને તપાસમાં સહકાર આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્દેશને પગલે ગઈ કાલે તે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવવા હાજર રહ્યો હતો.
રણવીર અને આશિષ બન્ને પોતપોતાની રીતે અલગ-અલગ ગયા હતા. તેઓ સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ હાજર થયા હતા. રણવીરે મીડિયાથી બચવા માટે મોઢા પર કાળા રંગનું માસ્ક પહેર્યું હતું. પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવીને તે સાંજે પાંચ વાગ્યે નીકળ્યો હતો, જ્યારે આશિષ તેના એક કલાક બાદ પોતાની કારમાં પાછો ગયો હતો.
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરવા બદલ પોલીસે રણવીર અલાહાબાદિયા, સમય રૈના, ઇન્ફ્લુએન્સર અપૂર્વા મખીજા, આશિષ ચંચલાણી સહિત કુલ ૫૦ જણને તપાસ માટે બોલાવ્યાં છે. પોલીસ આ શોમાં ગેસ્ટ તરીકે હાજર રહેલા લોકોને પણ બોલાવી રહી છે તેમ જ એના જ અનુસંધાનમાં એણે રાખી સાવંતને પણ સમન્સ મોકલીને ૨૭ ફેબ્રુઆરી સુધીમાં હાજર રહેવાનું ફરમાન બહાર પાડ્યું છે.