27 March, 2025 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાજપ એમએલએ રામ કદમ અને સુશાંત સિંહ રાજપૂતની તસવીરોનો કૉલાજ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ક્લોઝર રિપોર્ટ દાખલ કરી દીધો હોવાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય રામ કદમે ગઈ કાલે વિધાનસભામાં આ કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસે કરાવવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે દિશા સાલિયનના કેસની તપાસ કરી રહેલી SITએ સુશાંત સિંહ રાજપૂતના કેસની પણ તપાસ કરવી જોઈએ.
ઘાટકોપર-વેસ્ટના વિધાનસભ્યએ દાવો કર્યો હતો કે ‘સુશાંત સિંહનો કેસ CBIને ઘટનાના ૬૮ દિવસ બાદ સોંપવામાં આવ્યો હતો. આ પહેલાં બિહાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ મહારાષ્ટ્ર સરકારે એની તપાસ કરવા નહોતી દીધી. એટલું જ નહીં, સુશાંતે જે ફ્લૅટમાં આત્મહત્યા કરી હતી એ જગ્યા એના મૂળ માલિકને પુરાવાનો નાશ કરીને આપવામાં આવી હતી. ફ્લૅટને કલર પણ કરવામાં આવ્યો હતો. આ બધું પુરાવાનો નાશ કરવાના ઇરાદા સાથે થયું હોવાથી એની તપાસ થવી જોઈએ.’
૨૦૨૦ની ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાના છ દિવસ પહેલાં તેની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનનું મૃત્યુ થયું હતું.
ઘટના બની એ સમયે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હોવાથી પુરાવાઓનો નાશ કરવામાં તેમનો કોઈ રોલ હતો કે નહીં એની પણ તપાસ કરવાની માગણી રામ કદમે કરી છે. દિશા સાલિયન કેસની તપાસ કરી રહેલી SITએ બન્ને કેસને ભેગા કરીને રિયા ચક્રવર્તીની પણ તપાસ કરવી જોઈએ એવી ડિમાન્ડ પણ રામ કદમે કરી હતી.
રાજ્ય સરકાર વતી પર્યટન ખાતાના પ્રધાન શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે અમે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે આ કેસમાં દોષીઓને છોડવામાં નહીં આવે.
રામ કદમે કરેલી માગણીના સંદર્ભમાં ઉદ્ધવસેનાના વિધાનસભ્ય વરુણ સરદેસાઈએ કહ્યું હતું કે ‘આ તો CBIને નબળી ગણવા જેવી વાત છે. સુશાંતના કેસને હવે ઑલમોસ્ટ પાંચ વર્ષ થવા આવ્યાં છે અને છેલ્લાં ત્રણ વર્ષથી તમે રાજ્ય અને કેન્દ્રમાં સત્તા પર છો.’
આના જવાબમાં શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે ‘રાજ્ય સરકારનો CBIને પડકારવાનો કોઈ ઇરાદો નથી. દિશાના પપ્પા મુંબઈ પોલીસના સિનિયર અધિકારીને મળ્યા હતા. જો તેમણે કોઈ નવી માહિતી તેમની સાથે શૅર કરી હોય તો એની તપાસ થવી જોઈએ.’