ભિવંડીમાં બનતો મિથેનૉલ વપરાયો હતો કિલર દારૂમાં

31 May, 2026 08:36 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેની ઝેરી દારૂની કરુણાંતિકામાં મરણાંક બાવીસ થયો, પોલીસ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના બાવીસ અધિકારીઓ સસ્પેન્ડ

ભિવંડીમાં રેક્સ ઇન્ટરનૅશનલ લિમિટેડમાંથી જપ્ત કરાયેલાં મિથેનૉલ ભરેલાં ડ્રમ.

પુણેના પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂ પીવાને કારણે થયેલાં મૃત્યુનો આંકડો બાવીસ થયો છે. કેસની તપાસ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને સોંપવામાં આવી છે. બે દિવસની કાર્યવાહીમાં આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના કુલ બાવીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમ જ ઝેરી દારૂના કાંડમાં મુંબઈ નજીકના ભિવંડીનું કનેક્શન પણ સામે આવ્યું છે.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ભિવંડીમાં આવેલી રેક્સ ઇન્ટરનૅશનલ કંપનીમાં રેઇડ પાડીને ૫૯૨૯ કિલો મિથેનૉલ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જ કંપની દ્વારા પૂરા પડાતા મિથેનૉલને પુણેમાં ઝેરી દારૂના અડ્ડામાં બનતા દારૂમાં ભેળવાતો હોવાનું તપાસમાં જણાયું હતું.

આ ઘટના બાદ લોકોમાં રોષ અને સરકારની ઝડપી કાર્યવાહી જોવા મળી હતી. પિંપરી-ચિંચવડના એક સિનિયર ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને દાપોડી પોલીસ-સ્ટેશનના ૪ કૉન્સ્ટેબલને; જ્યારે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ૧૩ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ૩ ઇન્સ્પેક્ટર, ૬ સબ-ઇન્સ્પેક્ટર અને ૪ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. 

આરોપી કર્નલ સિંહ આર્મીનો નહીં : ઇન્ડિયન આર્મીની સ્પષ્ટતા
ધરપકડ કરાયેલા આરોપીઓમાં કર્નલ વિરખા સિંહનું પણ નામ છે અને શુક્રવારે મીડિયાનાં અમુક માધ્યમોમાં તે ઇન્ડિયન આર્મીનો રિટાયર્ડ કર્નલ હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે ઇન્ડિયન આર્મીએ સ્પષ્ટતા કરીને અહેવાલોને નકાર્યા હતા. પુણે ડિફેન્સ પબ્લિક રિલેશન્સ ઑફિસ (PRO)ના X (ટ્‌વિટર) હૅન્ડલ પર આરોપી ઇન્ડિયન આર્મીનો કોઈ રિટાયર્ડ કર્નલ નહીં પરંતુ સિવિલયન હોવાની સ્પષ્ટતા કરી હતી.

૬૬૦૦ રૂપિયાના નફાની લાલચે લીધો બાવીસ લોકોનો ભોગ
તપાસમાં જણાયું હતું કે મુખ્ય આરોપી યોગેશ વાનખેડેએ ફક્ત ૬૬૦૦ રૂપિયા વધુ કમાવા માટે દારૂમાં મિથેનૉલ ભેળવ્યો હતો. દારૂની ખરીદી બાદ એ આગળ પહોંચાડતાં પહેલાં જ તેની ગાડી ઊભી રાખીને એમાં મિથેનૉલ ભેળવતો હતો. તે દારૂમાં પાણી અને મિથેનૉલ ભેળવીને વેચવા માટે ડ્રમ તૈયાર કરતો હતો. એક ડ્રમ ૨૮૦૦ રૂપિયામાં વેચતો હતો. તાજેતરના દારૂકાંડ માટે તેણે ૩૩,૬૦૦ રૂપિયામાં ૧૨ ડ્રમ વેચ્યાં હતાં. એમાંથી તેને ૬૬૦૦ રૂપિયા નફો થયો હતો. યોગેશ વાનખેડેએ મિથેનૉલ ભેળવીને ૮૪૦ લીટર દારૂ બનાવ્યો હતો, જેમાંથી ૨૦૦ લીટર વેચી દીધો હતો. આ સિવાયનો દારૂ ક્યાં છે એ શોધીને એને જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં હડપસરથી ૭૦ લીટર, ગોખલેનગરથી ૪૨૦ લીટર તથા દાપોડી અને ફુગેવાડીથી ૧૫૫ લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 

mumbai news mumbai pune news pune maharashtra government maharashtra news maharashtra bhiwandi