22 June, 2024 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર હોર્ડિંગ-દુર્ઘટના
ઘાટકોપર હોર્ડિંગ-દુર્ઘટના બાદ જોખમી હોર્ડિંગ્સ હટાવવા માટે વસઈ-વિરાર મહાનગરપાલિકાએ પણ કમર કસી છે. હવે જાહેરાતનાં બોર્ડ લગાવવા માટે ટ્રાફિક પોલીસનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેલવે, હાઇવે, એસટી પ્રશાસન, મીઠાગર વગેરેની જગ્યાઓ પર લાગેલાં જોખમી જાહેરાતનાં બોર્ડ દૂર કરવા માટે મહાનગરપાલિકાએ સંબંધિત વિભાગોને નોટિસો પણ આપી છે.
વસઈ-વિરારમાં કુલ ૭૮૧ હોર્ડિંગ્સ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. મહાનગરપાલિકાએ આવાં ૩૮૭ ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહી કરીને એને હટાવવામાં આવ્યાં છે. આ સિવાય ૪૦ કાયદેસર, પરંતુ જોખમી હોર્ડિંગ્સને હટાવાયાં છે. હાઈ ટેન્શન કેબલ સાથેનાં હોર્ડિંગ્સ અને મીટર બૉક્સ પાસેનાં જાહેરાતનાં બોર્ડ પણ દૂર કરવામાં
આવ્યાં છે. આ વિશે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર (જાહેરાત) વિશાખા મોટઘરેએ માહિતી આપી હતી કે મહાનગરપાલિકા ક્ષેત્રમાં તમામ નવ વૉર્ડમાંથી જે જોખમી હોઈ શકે એવાં બોર્ડ દૂર કરવામાં આવ્યાં છે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને ઘાટકોપર દુર્ઘટનાના બીજા દિવસથી જાહેરાત બોર્ડનું સ્ટ્રક્ચરલ ઑડિટ હાથ ધર્યું હતું. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જે કંપનીઓ સ્ટ્રક્ચરલ ઑડિટ નહીં કરાવે એને કોઈ એક્સટેન્શન આપવામાં આવશે નહીં.
હાઇવે, એસટી કૉર્પોરેશન, મીઠાગર તેમ જ રેલવે-સ્ટેશન પર અનેક જાહેરાતનાં બોર્ડ લાગેલાં છે. આ જગ્યાએથી જોખમી જાહેરાતનાં બોર્ડ હટાવવા માટે મહાનગરપાલિકાએ સંબંધિત વિભાગને નોટિસ મોકલી છે, જેમાં એસટી પ્રશાસન દ્વારા મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી છે કે એ આગામી વીસ દિવસમાં તેમના પરિસરમાંથી જોખમી જાહેરાતનાં બોર્ડ દૂર કરશે.
વસઈ-વિરારમાં લોખંડના થાંભલા બનાવીને ઘણી જગ્યાએ જાહેરાતનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે. મુખ્ય માર્ગો તેમ જ જંક્શનો પર હોર્ડિંગ્સ લગાવતી વખતે કોઈ કાળજી લેવામાં આવતી ન હોવાથી અકસ્માતનું જોખમ ઊભું થાય છે એટલે હવેથી જાહેરાતના બોર્ડ લગાવતી વખતે ટ્રાફિક પોલીસનું NOC ફરજિયાત મહાનગરપાલિકાને સબમિટ કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે.