22 October, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
મંગળવારે દશેરાના મેળાવડા દરમ્યાન ભાષણ આપતી વખતે શિવસેના (UBT)ના નેતા તથા સંસદસભ્ય સંજય રાઉતે કેન્દ્રીય ગૃહપ્રધાનને ખરા લૉરેન્સ બિશ્નોઈ ગણાવ્યા એનો જવાબ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા ફિશરીઝ અને પોર્ટ મંત્રાલયના કૅબિનેટ મિનિસ્ટર નીતેશ રાણેએ આપ્યો હતો અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરખામણી ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહિમ સાથે કરી હતી.
નીતેશ રાણેએ સંજય રાઉત પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘હવે દાઉદને મુંબઈ આવવાની જરૂર નથી, કારણ કે તેનાં બધાં જ કામો ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. અમને તો હવે ઉદ્ધવ ઠાકરેમાં દાઉદ ઇબ્રાહિમ દેખાય છે, કારણ કે ગેરકાયદે બંગલાદેશીઓને અને રોહિંગ્યાઓને, માફિયાઓને, જેહાદીઓને મુંબઈમાં વસાવવા અને તેમને પાળવા-પોષવાનો અને તેમના જેવા સાપોને પાળવાનો ધંધો કર્યો હવે એ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. તે રેજીમ-ચેન્જ એટલે કે સત્તાપલટાની વાતો કરે છે.’
નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘એપ્રિલમાં અમારી સરકાર પડશે એવું શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે. અમારી સરકાર નહીં પડે, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોનાં હૃદયમાં વસેલા છે, પરંતુ તેના માલિકનો દીકરો પહેલી જાન્યુઆરીની સવાર માતોશ્રીમાં જોઈ શકે છે કે નહીં એ જોજો. ૩૧ ડિસેમ્બરે માતોશ્રીમાં હૅપી ન્યુ યર કરે છે કે આર્થર રોડ જેલમાં એ તેને પછી ખબર પડશે.’