03 November, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણે કોર્ટની બહાર પોલીસ-બંદોબસ્ત
થાણેની કોર્ટને બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાવી દેવાશે એવી ધમકી મળી હોવાથી કોર્ટનું આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. થાણે પોલીસની બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડના અધિકારીઓ પણ તેમના સરંજામ સાથે કોર્ટ પર આવી પહોંચ્યા હતા અને તપાસ ચાલુ કરી હતી. એ વખતે કોર્ટના કમ્પાઉન્ડમાં ઊભા રહેલા વકીલો અને અન્ય સ્ટાફ-મેમ્બર્સ તથા લોકોને ત્યાંથી દૂર જવાની પોલીસે મેગાફોન પર સૂચનાઓ આપી હતી.
દિવાળી નજીક આવી રહી છે ત્યારે ડાયમન્ડ નગરી સુરતના ખજોદમાં આવેલી વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પર રવિવારે ભીષણ આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. ફાયર-બ્રિગેડે કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી.
રાજસ્થાનમાં સિમેન્ટ મિક્સરનો પાઇપ હાઈ-વૉલ્ટેજ લાઇનના સંપર્કમાં આવ્યો : ૮ લોકોએ જીવ ગુમાવ્યા, પાંચ ઘાયલ
રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લાના છાપોલી ગામમાં રોડના નિર્માણકાર્ય દરમ્યાન ગઈ કાલે સવારે એક સિમેન્ટ મિક્સર મશીન સાથે જોડાયેલો લોખંડનો પાઇપ ૧૧,૦૦૦ વૉલ્ટની વીજળીની લાઇનના સંપર્કમાં આવી જતાં ૮ કામદારોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૩ મહિલાઓ સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. છાપોલી ગામમાં જ્યાં રસ્તાનું કામ ચાલતું હતું એ વનવિભાગની જમીન પર આવતું હોવાથી સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા રસ્તાના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી નહોતી, પણ ગ્રામજનો પરસ્પર સહયોગ અને દાન દ્વારા આ રસ્તો બનાવી રહ્યા હતા. સિમેન્ટ મિક્સરની ઉપર રહેલો લોખંડનો પાઇપ હાઈ-ટેન્શન લાઈન સાથે અથડાતાં આ દુર્ઘટના બની હતી.
પ્રસ્તાવિત વાઢવણ બંદરનો વિરોધ કરવા માટે સ્થાનિક ગ્રામીણ લોકોનું જલસમાધિ આંદોલન
પાલઘર જિલ્લામાં ડેવલપ થનારા પ્રસ્તાવિત વાઢવણ પોર્ટનો વિરોધ કરી રહેલા સ્થાનિક લોકો દ્વારા સમુદ્રમાં ઊભા રહીને ‘જલસમાધિ’ આંદોલન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે વરોરમાં બે દિવસ પહેલાં આંદોલન થયું હતું. જોકે એ પછી ફરી પોલીસ-બંદોબસ્ત હેઠળ પોર્ટ માટેનો રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતાં લોકોએ ફરી આંદોલન કર્યું હતું. સ્થાનિક લોકોનો આરોપ હતો કે પોલીસે આંદોલન કરી રહેલા કેટલાય લોકોને તાબામાં લીધા હતા અને ત્યાર બાદ તેમની સામે ગુનો નોંધવાની પ્રોસેસ ચાલુ કરી હતી. એથી સેંકડો ગ્રામીણ લોકો એના વિરોધમાં ઊતરી આવ્યા હતા. આ વખતે તેમણે સમુદ્રમાં ઊભા રહીને ‘જલસમાધિ’ આંદોલન કર્યું છે. આ આંદોલનકારીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. તેમણે સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી કે જ્યાં સુધી રોડનિર્માણનું કામ બંધ નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હવે સરકાર અને પ્રશાસન શું પગલાં લે છે એના પર બધાની નજર ટકી છે.
થાણેની રેતીબંદર ખાડીમાંથી મળી આવ્યો પુરુષનો મૃતદેહ
રેતીબંદર ખાડીમાંથી બહાર કાઢવામાં આવેલો મૃતદેહ.
કલવાના નાશિક રોડ પર આવેલા ખારેગાવ બ્રિજ નજીક રેતીબંદર ખાડીમાંથી ગઈ કાલે બપોરે સાડાબાર વાગ્યે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ નારપોલી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ અને ફાયર-બ્રિગ્રેડના જવાનો રેસ્ક્યુ વાહન સાથે તેમ જ થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (TDRF)ના જવાનો યુટિલિટી વાહન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. TDRF અને ફાયર-બ્રિગ્રેડના જવાનોએ સંયુક્ત ઑપરેશન કરીને ખાડીમાંથી મૃતદેહ સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો અને નારપોલી પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને આગળની કાયદાકીય કાર્યવાહી તેમ જ પોસ્ટમૉર્ટમ માટે ભિવંડીની ઇન્દિરા ગાંધી હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના મુખ્યાલયમાં આગ: કોઈ જાનહાનિ નહીં, સ્વાસ્થ્ય વિભાગના રેકૉર્ડ બળીને ખાખ
ભાઈંદર-વેસ્ટના છત્રપતિ શિવાજી મહારાજ રોડ પર આવેલા મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના મુખ્યાલયની ઇમારતમાં ગઈ કાલે સવારે ૮ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થવાના અહેવાલ નથી, પરંતુ આગની આ દુર્ઘટનામાં MBMCના સ્વાસ્થ્ય વિભાગના મહત્ત્વપૂર્ણ રેકૉર્ડ્સ અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને જવાનોએ ભારે જહેમત બાદ એક કલાક કરતાં પણ ઓછા સમયમાં આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલ MBMC દ્વારા આ મામલે સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવી છે.