04 November, 2026 08:16 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી દેખાડીને ઉદ્ઘાટન કર્યું હતું.
પુણેના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી હબ ગણાતા હિંજવડીથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો 3 પિન્ક લાઇનનું ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કૉન્ફરન્સિંગથી ઉદ્ઘાટન કર્યું હતું. ૮૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ ૨૩ કિલોમીટરનો મેટ્રો કૉરિડોર ડેવલપ કરવામાં આવ્યો છે. આ પિન્ક લાઇન માત્ર મહિલાઓ જ ઑપરેટ કરશે તેમ જ એ રન કરવા માટે જરૂર પડતી ઇલેક્ટ્રિસિટીમાંથી ૩૦ ટકા ઇલેક્ટ્રિસિટી સોલર પાવરથી જનરેટ કરવામાં આવશે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૧,૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પુણે મેટ્રો ફેઝ IIની પણ શરૂઆત કરી હતી.
મેટ્રો 3 પર ૪૬ વધારાની ટ્રેન-સર્વિસથી હવે સમય બચશે અને મુસાફરી ઝડપી થશે
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3ની સર્વિસમાં વધારો કર્યો છે. બીજી નવેમ્બરથી વીક-ડેઝમાં ૪૬ વધારાની ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેનાથી રોજની ટ્રિપ્સની કુલ સંખ્યા ૨૯૧થી વધીને ૩૩૭ થઈ ગઈ છે. મેટ્રો 3માં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સર્વિસમાં કરવામાં આવેલા આ વધારાથી ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે અને મુસાફરોનો વેઇટિંગ પિરિયડ પણ ઘટશે. પીક-અવર્સ દરમ્યાન બે ટ્રેનો વચ્ચેનો સમયગાળો ૪ મિનિટ ૫૦ સેકન્ડથી ઘટાડીને ૪ મિનિટ ૨૫ સેકન્ડ કરવામાં આવ્યો છે.
મલાડમાં લાકડાંની વખારમાં આગ
મલાડ-વેસ્ટમાં સ્ટેશનની પાસે આવેલા રુઇયા મૅરેજ હૉલની પાસે બે માળના સ્ટ્રક્ચરમાં આવેલી લાકડાંની વખારમાં સોમવારે રાતે ૯ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. વખારમાં લાકડાંનાં પાટિયાં અને કાર્ડબોર્ડ સાથેનો બહુ મોટો સ્ટૉક હતો. એથી આગ થોડી જ વારમાં ભભૂકી ઊઠી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ આગને ઓલાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાતના ૯ વાગ્યે લાગેલી આગ પર મધરાત બાદ ૧.૩૦ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. જોકે આગમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી.
સાકીનાકા વિસ્તારમાં ભંગાર માર્કેટમાં આગ, કોઈ જાનહાનિ નહીં
સાકીનાકા વિસ્તારમાં આવેલા ભંગાર બજારમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જરીમરીમાં કુર્લા-અંધેરી રોડ પર આવેલા ભંગાર માર્કેટમાં સાંજે લગભગ ૭.૧૫ વાગ્યે આગ લાગી હતી. આગ માત્ર ભંગારના સામાન પૂરતી જ સીમિત રહી હતી. મુંબઈ ફાયરબ્રિગેડનાં ઓછામાં ઓછાં ૪ ફાયર-એન્જિન અને અન્ય અગ્નિશામક વાહનો આગને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગ ઓલવવાની કામગીરી મોડી રાત સુધી ચાલુ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી એમ અધિકારીએ જણાવ્યું હતું.