10 March, 2026 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગ
રવિવારે રાતે ભારત T20 વર્લ્ડ કપ જીત્યું એની ખુશીમાં ફોડાયેલા ફટકડાને કારણે બાંદરા-વેસ્ટના એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આ ઘટના માઉન્ટ મૅરી સ્ટેપ્સ નજીક નિર્મલા કૉલોનીમાં બની હતી. રહેવાસીઓ જીતની ઉજવણી કરવા બિલ્ડિંગની બહારની ગલીઓમાં ફટાકડા ફોડતા હતા ત્યારે એક પાર્ટમેન્ટના ત્રીજા માળની બાલ્કનીમાંથી આગની જ્વાળાઓ નીકળતી દેખાઈ હતી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ફટાકડાનું રૉકેટ ફ્લૅટની બાલ્કનીમાં પડ્યું હોવાને કારણે આગ લાગી હતી. આ ઘરમાં રહેતા લોકો એ વખતે બહાર ગયા હતા એથી આસપાસના લોકોએ આગ બુઝાવવા માટે અપાર્ટમેન્ટનો દરવાજો તોડીને અંદર પ્રવેશવું પડ્યું હતું. રહેવાસીઓની સતર્કતાને લીધે આગ તરત કાબૂમાં આવી ગઈ હતી. ફાયર-બ્રિગેડની એક ટીમ લગભગ ૩૦ મિનિટ પછી ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મુંબઈ-નાશિક હાઇવે પર સોમવારે એક વાહને ઑટોરિક્ષાને ટક્કર મારતાં બે જણે જીવ ગુમાવ્યા હતા. પોલીસ-અધિકારીએ આપેલી માહિતી મુજબ ભિવંડીના બે યુવકો એક ઑટોરિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. એ ટક્કરમાં બન્ને રસ્તા પર પડી ગયા હતા અને તેમને ગંભીર ઈજા થઈ હતી. રાહદારીઓ અને વાહનચાલકો બન્નેને હૉસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બાબતે કેસ નોંધીને હાઇવે પરથી CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.
BMCની સ્થાયી સમિતિએ બાંદરામાં ચિંબઈ બીચના વારિંગપાડા પટ પર સફાઈ-કામગીરી માટે ૧ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટને મંજૂરી આપી છે. આ કૉન્ટ્રૅક્ટ મેસર્સ MTS બ્લુ રોડલાઇન્સને આપવામાં આવ્યો છે અને એ ૭૩૦ દિવસના સમયગાળા માટે અમલમાં રહેશે. ચિંબઈ બીચ આશરે ૧.૫ કિલોમીટર લંબાઈ અને લગભગ પચીસ મીટર પહોળાઈ ધરાવે છે. ચોમાસા દરમ્યાન જ્યારે દરિયાકિનારા પર મોટા પ્રમાણમાં કચરો પાછો ફેંકાય છે ત્યારે સૌથી મોટી સમસ્યા સર્જાય છે. એ સમયે બીચ કચરાથી ભરાઈ જાય છે.
વસઈ-વિરાર વિસ્તારમાં આવેલી પથ્થરની ખાણમાં ડૂબી જવાની બે દુખદ ઘટના બની છે. વાલિવ અને માંડવી પોલીસ-સ્ટેશન હેઠળ આવતા બે અલગ-અલગ બનાવોમાં ૧૦ વર્ષના અને ૧૫ વર્ષના બાળકે પાણી ભરેલી ખાણમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. પહેલી દુર્ઘટના રાજાવલીમાં બની હતી જ્યાં ૧૫ વર્ષનો ટીનેજર હોળી રમવા ગયો હતો. મોડી સાંજ સુધી પાછો ન ફરતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. બે દિવસ બાદ તેનો મૃતદેહ ખાણમાં તરતો જોવા મળ્યો હતો. એ જ રીતે ૧૦ વર્ષનો બાળક તેનાં ભાઈ-બહેન સાથે ખાણ પાસે રમવા ગયો હતો ત્યારે રમતાં-રમતાં તે ખાણમાં પડીને ડૂબી ગયો હતો.
નાલાસોપારા-ઈસ્ટના ચૅમ્પિયન કમ્પાઉન્ડમાં એક પ્લાસ્ટિક કંપનીમાં ગઈ કાલે બપોરે પોણાબાર વાગ્યે આગ લાગી હતી. પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી
અને એટલા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આગને કારણે કોઈ જાનહાનિ નહોતી થઈ પણ ભીષણ આગને કારણે નજીકની ત્રણ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રવિવારે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે જીત મેળવતાં અનેક ક્રિકેટરસિયાઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા અને એ જીતની જોરદાર ઉજવણી કરી હતી. થાણેના ઇન્દિરાનગર વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી થઈ રહી હતી ત્યારે એક હ્યુન્દાઇ આઇ20 ફટાકાડાની ફૂટી રહેલી લૂમ પર થોભી ગયેલી જોવા મળી હતી. એના કારણે ટેન્શન વધી ગયું હતું. ફટકાડાના ધુમાડાને કારણે કારની આગળ ધુમાડો ફેલાઈ ગયો હતો અને નીચે ધડાકાભેર ફટાકડા ફૂટી રહ્યા હતા. કાર થોભી ગઈ હતી અને એના દરવાજા પણ ખોલી કાઢવામાં આવ્યા હતા. ગાઢ ધુમાડો જોઈને સ્થાનિક રહેવાસીઓને કોઈ દુર્ઘટના થઈ શકે એવો અંદાજ આવી જતાં તેઓ પાણીની બાલદી લઈને દોડ્યા હતા. જોકે ફટાકડાની લૂમ ફૂટી ગઈ, પણ કારમાં કોઈ ધડાકો ન થતાં બધાએ રાહતાનો શ્વાસ લીધો હતો.
મહારાષ્ટ્રના નવનિયુક્ત રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા ગઈ કાલે મુંબઈ પહોંચ્યા હતા. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈનાં મેયર રિતુ તાવડેએ ઍરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આજે સાંજે ૪.૩૦ વાગ્યે લોકભવનમાં તેઓ મહારાષ્ટ્રના ગવર્નર પદ માટે શપથ ગ્રહણ કરશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NSE) ખાતે બેલ વગાડીને નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેર કરાયેલાં ગ્રીન મ્યુનિસિપલ બૉન્ડના લિસ્ટિંગની જાહેરાત કરી હતી. આ પ્રસંગે નાશિકનાં મેયર હિમગૌરી આહેર-આડકે અને NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ ચૌહાણ સહિત અનેક મહાનુભાવોએ NSEના આઇકન બુલ સાથે ફોટો પડાવ્યો હતો.
મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં દહેજ સંબંધી ગુનાઓમાં ઘટાડો થયો છે એમ મિનિસ્ટર પંકજ ભોઈરે સોમવારે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે વિજિલન્સ કમિટી અને સ્પેશ્યલ તપાસ માટેની ટીમ દ્વારા દહેજ સંબંધી ગુનાઓ સામે કડક કાર્યવાહી તીવ્ર બનાવી છે. દહેજ સંબંધી ગુનાઓ ૨૦૨૨માં ૧૮૦ હતા જે ૨૦૨૫માં ઘટીને ૧૩૫ થયા છે. ૨૦૨૫માં નોંધાયેલા કેસમાં કાર્યવાહી બાદ ૩૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં ૨૦૦૩નો દહેજ વિરોધી કાયદો અમલમાં મુકાયો છે. એના હેઠળ નોંધાયેલા કેસની કાર્યવાહી માટે ઍડિશનલ ડિરેક્ટર જનરલ રૅન્કના અધિકારીની ટીમ બનાવવામાં આવી છે તેમ જ સરકાર દહેજના કેસમાં ફરિયાદ નોંધવાનો ઇનકાર કરનાર પોલીસ-અધિકારીઓ સામે કડક પગલાં લેશે.’