Maharashtra Politics: શરદ પવારે લીધો મોટો નિર્ણય, સુનિલ તટકરે અને પ્રફુલ પટેલને પાર્ટીમાંથી આપ્યો જાકારો

03 July, 2023 06:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.ઉલ્લેખનીય છે કે તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ તેમણે આ કાર્યવાહી કરી છે.

શરદ પવાર (ફાઈલ તસવીર)

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારના ભત્રીજા અજિત પવાર રવિવારે (NCP) સાથે બળવો કરીને મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જોડાયા હતા. જેને કારણે 24 વર્ષ પહેલા શરદ પવાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલ પક્ષ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

ઉલ્લેખનીય છે કે તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ તેમણે આ કાર્યવાહી કરી છે. એનસીપીના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુલે દ્વારા પાર્ટીના વડા શરદ પવારને લખેલા પત્રમાં આ ભલામણ કરવામાં આવી હતી.

અગાઉ NCP અનુશાસન સમિતિએ પક્ષના નવ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. તેઓ એ જ ધારાસભ્ય છે જેમણે આગલા દિવસે અજિત પવાર સાથે શપથ લીધા હતા. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે તેમના ભત્રીજા અજિત પવારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા બદલ પાર્ટીના આ ત્રણ નેતાઓને દૂર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની આ કાર્યવાહીને બળવાખોર અજિત પવારને ટેકો આપનારાઓ માટે એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. શરદ પવાર તરફથી હાંકી કાઢવામાં આવેલા નેતાઓમાં મુંબઈ ડિવિઝનલ એનસીપીના વડા નરેન્દ્ર રાઠોડ, અકોલા શહેર જિલ્લા પ્રમુખ વિજય દેશમુખ અને રાજ્ય મંત્રી શિવાજીરાવ ગર્જેનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓ અજિત પવારના શપથ સમારોહમાં સામેલ થયા હતા.

આ સંદર્ભે વાત કરતાં શરદ પવારે કહ્યું હતું કે, “પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ પાસે ગઈ કાલે મહારાષ્ટ્ર કેબિનેટમાં શપથ લેનારા ધારાસભ્યો વિરુદ્ધ કોઈપણ પગલાં લેવાનો અધિકાર છે. અજિત પવારની ટુકડીમાંથી ઘણા લોકોએ મને ફોન કર્યો અને કહ્યું કે તેમની વિચારધારા NCPથી અલગ નથી અને તેઓ આગામી થોડા દિવસોમાં અંતિમ નિર્ણય લેશે.”

પાર્ટીની અનુશાસન સમિતિએ સત્તાધારી શિવસેના-ભાજપ સાથે ગઠબંધન કરવા બદ્દલ તેમ જ અજિત પવારને બળવોમાં ટેકો આપનારા નવ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરી છે. તે બાબતના એક નિવેદનમાં જણાવાયું છે કે, ‘નવ ધારાસભ્યોની આ પ્રવૃત્તિઓ તેમને તાત્કાલિક ગેરલાયક ઠેરવવા માટે હાકલ કરે છે. જો તેઓને સભ્ય રાખવામાં આવે તો તેઓ પક્ષના સભ્ય બનીને પાર્ટીના હિતને કમજોર કરવાનો પ્રયત્ન કરશે.’અજિત પવારના આગામી રાજકીય પગલા વિશે અઠવાડિયાથી અટકળો ચાલી રહી હતી. તેનો અંત લાવતા અચાનક થયેલા આ ઘટનાક્રમથી તેમના કાકા શરદ પવારને આઘાત લાગ્યો હતો. અજિત પવારને રવિવારે રાજભવન ખાતે રાજ્યપાલ રમેશ બૈસ દ્વારા નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં NCPના અન્ય નવ નેતાઓએ પણ હાજરી આપી હતી.  જેમાંથી કેટલાક શરદ પવારના નજીકના સાથી હતા.

sharad pawar nationalist congress party ajit pawar praful patel eknath shinde devendra fadnavis indian politics mumbai news mumbai