18 November, 2024 07:05 AM IST | Amravati | Gujarati Mid-day Correspondent
અમરાવતીમાં નવનીત રાણાની સભામાં ખુરસીઓ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો.
અમરાવતીનાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નેતા નવનીત રાણાની શનિવારે અમરાવતીના ખલ્લાર ગામમાં મહાયુતિના ઉમેદવાર માટે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનીત રાણાનું ભાષણ ચાલુ હતું ત્યારે ૪૫ જેટલા લોકોએ ખુરસીઓ ફેંકવાની સાથે હુમલો કર્યો હતો. આ ઘટનામાં નવનીત રાણાના સિક્યૉરિટી ગાર્ડ અને પક્ષના સ્થાનિક કાર્યકરોને ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ નવનીત રાણા અને સ્થાનિક લોકોએ પોલીસ-સ્ટેશનમાં જઈને હુમલો કરનારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ વિશે નવનીત રાણાએ કહ્યું હતું કે ‘હું સભાને સંબોધી રહી હતી ત્યારે મારી આંખ સામે કેટલાક લોકો ખુરસીઓ ઉછાળીને અલ્લાહુ અકબરનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. મેં તેમને શાંત રહેવાનું કહ્યું હતું, પરંતુ તેમણે મારી વાત નહોતી સાંભળી. આથી મેં ભાષણ અધવચ્ચેથી રોકી દીધું હતું અને મહાયુતિના ઉમેદવારને સમર્થન કરવા આવેલાં દિવ્યાંગ, મહિલા અને બાળકોને મળવા હું સ્ટેજની નીચે ઊતરી હતી. આ સમયે સૂત્રોચ્ચાર કરનારા લોકો મારી નજીક આવી ગયા હતા અને તેઓ ફરી સૂત્રોચ્ચાર કરીને ખુરસીઓ ઉપાડીને અમારી તરફ ધસી આવ્યા હતા. મારા સિક્યૉરિટી ગાર્ડ અને બીજા લોકોએ આ લોકોને રોકી લીધા હતા. આ બનાવમાં સિક્યૉરિટી ગાર્ડની સાથે સ્થાનિક નેતાઓને ઈજા પહોંચી છે. આ લોકોની માનસિકતા હિન્દુ વિચારધારાવાળા લોકોનો વિરોધ કરવાની છે. તેઓ ઓવૈસી અને કૉન્ગ્રેસની વિચારધારા પ્રમાણે કામ કરી રહ્યા છે. કૉન્ગ્રેસ આવા લોકાને સમર્થન કરે છે. જોકે હવે એ દિવસો ગયા જ્યારે હિન્દુઓ ચૂપ રહેતા હતા. અમે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ સામે વહેલી તકે કાર્યવાહી કરવાની માગણી કરી છે. ઉદ્ધવ ઠાકરેના સ્થાનિક નેતાના આદેશથી આ હુમલો કરવામાં આવ્યો છે એટલે અમે તેમને જવાબ આપીશું.’