નવી મુંબઈ APMC હવે નૅશનલ માર્કેટ ગણાશે

03 June, 2026 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના માર્કેટિંગ અને પ્રોટોકૉલ મિનિસ્ટર જયકુમાર રાવલે અધ્યક્ષનો પદભાર સંભાળ્યો, APMCની મૅનેજિંગ કમિટી બરખાસ્ત કરી દેવામાં આવી: ભવિષ્યમાં ૧૧૦૦-૧૨૦૦ એકરમાં વિશ્વની સૌથી મોટી APMC બનાવવાનો ઇરાદો : એક્સપોર્ટ માટે પણ પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવશે

APMCના અધ્યક્ષપદનો પદભાર સંભાળનારા રાજ્યના માર્કેટિંગ અને પ્રોટોકૉલ મિનિસ્ટર જયકુમાર રાવલનું GROMAના પ્રેસિડન્ટ ભીમજી ભાનુશાલી, દાણાબજારના ભૂતપૂર્વ APMC ડિરેક્ટર નીલેશ વીરા અને અન્યોએ ફૂલોનો ગુલદસ્તો આપીને સ્વાગત કર્યું હતું.

નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની મૅનેજિંગ કમિટી બરખાસ્ત કરી દેવામાં આવી છે અને હવે એની ગણના નૅશનલ માર્કેટ તરીકે થશે. રાજ્યના માર્કેટિંગ અને પ્રોટોકૉલ મિનિસ્ટર જયકુમાર રાવલે એના અધ્યક્ષ તરીકેનો પદભાર ગઈ કાલથી સંભાળી લીધો છે. જયકુમાર રાવલ ગઈ કાલે પદભાર સ્વીકારવા નવી મુંબઈની APMCમાં ગયા ત્યારે કમિટીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

જયકુમાર રાવલે ત્યાર બાદ APMCના પ્રશાસન, આર્થિક વ્યવહાર અને વિવિધ વિભાગોના કામકાજની પ્રાથમિક માહિતી લીધી હતી. ત્યાર બાદ તેમણે અધિકારીઓ અને વિવિધ માર્કેટના વેપારી પ્રતિનિધિઓ સાથે બેઠક લીધી હતી જેમાં કહ્યું હતું કે ‘ખેડૂતોને કેન્દ્રસ્થાને રાખીને કામ કરવાની રાજ્ય સરકારની પૉલિસી છે. ખેતપેદાશોના વધુ ભાવ મળે એ માટેની આખી ચેઇન મજબૂત કરવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, APMC કમિટી અને એક્સપોર્ટ વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે. ભવિષ્યમાં ૧૧૦૦થી ૧૨૦૦ એકરમાં વિશ્વની સૌથી મોટી APMC માર્કેટ ઑફ નૅશનલ ઇમ્પોર્ટન્સ ઊભી કરવાનો સરકારનો ઇરાદો છે.’

મહારાષ્ટ્રની ખેતપેદાશ ઇન્ટરનૅશનલ માર્કેટ સુધી પહોંચાડવાની ગણતરી છે એમ જણાવતાં જયકુમાર રાવલે કહ્યું હતું કે ‘ઍરપોર્ટ, સી-પોર્ટ, રેલવે અને હાઇવેથી જોડાયેલી ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની APMC ઊભી કરવાનો સંકલ્પ છે. દેશનાં પ્રભાવી બજારોનું મૉડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવશે. અનુભવી અધિકારીઓ, ભૂતપૂર્વ સંચાલકો, ભૂતપૂર્વ અધ્યક્ષ અને એક્સપર્ટની સલાહ લઈને કામકાજ કરવામાં આવશે.’ 

મહારાષ્ટ્ર ફળોના ઉત્પાદનનું, અનાજના ઉત્પાદનનું અને ઍગ્રિકલ્ચરલ વેપારનું મહત્ત્વનું રાજ્ય છે. રાજ્યમાંથી સમુદ્રમાર્ગે મિડલ ઈસ્ટના દેશોમાં મોટા પ્રમાણમાં શાકભાજી, ફળો અને અન્ય ખેતપેદાશ એક્સપોર્ટ કરવામાં આવે છે. આ એક્સપોર્ટ વધારવા ઇન્ટરનૅશનલ વેપારની દૃષ્ટિએ સક્ષમ અને લેટેસ્ટ સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે. ડિજિટલ માર્કેટિંગની દૃષ્ટિએ રાજ્યની વેપાર-વ્યવસ્થા ગોઠવવી એવો આદેશ જયકુમાર રાવલે અધિકારીઓને આપ્યો હતો. 

વેપારીઓમાં આશાનો સંચાર

APMC દાણાબંદરની સંસ્થા ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA)ના પ્રમુખ ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે નવું બિલ પાસ કરીને નવી વ્યવસ્થા ગોઠવી છે. અમને આશા છે કે વેપારીઓની રજૂઆત કાને ધરવામાં આવશે અને વેપાર વધશે. સરકારનું ઇન્ટરનૅશનલ માર્કેટ બનાવવાનું સપનું સાકાર થશે. પ્રધાનસાહેબનું કહેવું છે કે વિશ્વના અન્ય દેશોમાં બીજી વસ્તુઓ તો મળી રહે છે, પણ જે ખેતપેદાશો આપણી પાસે છે એ તેમની પાસે નથી, આપણે એ એક્સપોર્ટ કરી શકીએ. આપણે એ ફોકસ કરવાનું છે કે આપણે કઈ રીતે એ એક્સપોર્ટ વધારી શકીએ, કઈ રીતે વેપાર વધારી શકીએ.’ 

mumbai news mumbai navi mumbai apmc market business news