જૈનોના તીર્થંકરોએ આપણને લેવા કરતાં આપવાનું તત્ત્વ શીખવ્યું છે

01 December, 2024 01:18 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં ભારતીય જૈન સંગઠનના નૅશનલ કન્વેન્શનમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

પુણેમાં ભારતીય જૈન સંગઠનના નૅશનલ કન્વેન્શન ૨૦૨૪ના કાર્યક્રમમાં દીપપ્રાગટ્ય કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભ્ય ચંદ્રકાંત પાટીલ અને અભિનેતા આમિર ખાન. આ કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પુણેના બીબવેવાડીમાં ગઈ કાલે ભારતીય જૈન સંગઠનના રાષ્ટ્રીય કન્વેન્શન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓ ઉપરાંત બૉલીવુડના અભિનેતા આમિર ખાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ભગવાન મહાવીર અને જૈન ધર્મના તમામ તીર્થંકરોએ આપણને માત્ર લેવાનું નહીં, પણ લેવાથી વધુ આપવાનું તત્ત્વ આપ્યું છે‍, એના પર વિશ્વાસ રાખ્યો છે. જૈન સમાજે આ તત્ત્વને અમલમાં મૂક્યું છે. જૈન સમાજના લોકો કમાય છે એના કરતાં વધુ આપવા માટે જાણીતા છે. આથી આ માત્ર એક સમાજનો કાર્યક્રમ નથી, પણ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો કાર્યક્રમ છે. સમાજની દરેક વ્યક્તિ માટે વ્યવસ્થા તૈયાર કરવાનું કામ ભારતીય જૈન સંગઠન કરી રહ્યું છે. પાણીની સમસ્યા માટે પાની ફાઉન્ડેશન અને ભારતીય જૈન સંગઠને ઘણું સારું કામ કર્યું છે. આ માટે અભિનેતા આમિર ખાન અને શાંતિલાલ મુથાના પ્રયાસ પ્રશંસનીય છે. આ કામથી લોકોનું જીવનસ્તર ઉપર આવવાની સાથે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. આજે આપણે શિક્ષાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. બાળકો ૯૯ ટકા માર્ક્સ લાવી રહ્યાં છે, પણ આ બાળકોમાં જ્ઞાન અને મૂલ્યનું રોપણ ન થાય તો એનું કોઈ મહત્ત્વ નથી. મહારાષ્ટ્રની પ્રાઇવેટ સ્કૂલના લાખો વિદ્યાર્થી સરકારી સ્કૂલમાં પાછા આવે એ માટે શાંતિલાલજી મુથાએ મહારાષ્ટ્રમાં મૂલ્ય આધારિત શિક્ષણનો સિલેબસ તૈયાર કર્યો છે. આ પ્રયાસ થકી ભારતીય જૈન સંગઠન દેશની નવી અને આવનારી પેઢીને પ્રશિક્ષિત કરવાનું કામ કરી રહ્યું છે.’

pune Education aamir khan devendra fadnavis jain community gdp maharashtra news maharashtra news