10 March, 2021 08:43 AM IST | Mumbai | Chetna Sadadekar
દાદરની શિંદેવાડી મ્યુનિસિપલ સ્કૂલના વર્ગખંડોને રીઓપન કરવાના હતા ત્યારે નવેમ્બરમાં બીએમસી દ્વારા એને સ્વચ્છ અને સૅનિટાઇઝ કરાયા હતા.
શહેરની શાળાઓ લગભગ એક વર્ષથી બંધ છે છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) એની જાળવણી માટે ખાનગી એજન્સીઓ પર મહેરબાન થઈ રહ્યું છે. મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટ માટે સ્ટૅન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ કરાર ૨૦૯.૭૮ કરોડ રૂપિયામાં મંજૂર કરવામાં આવ્યો હતો, પણ હવે આ રકમ વધારીને ૩૬૮.૮૯ કરોડ રૂપિયા કરી દેવાઈ છે.
શહેર, પૂર્વીય સબર્બ્સ અને પશ્ચિમી સબર્બ્સ માટે ત્રણ વર્ષના ગાળા માટે ૨૦૯.૭૮ કરોડની કિંમતે ત્રણ કૉન્ટ્રૅક્ટર નક્કી કરવામાં આવ્યા હતા. જોકે છેલ્લાં બે વર્ષમાં ટેન્ડર્સ જારી ન કરવામાં આવ્યાં હોવા છતાં તેમને ૧૬૦ કરોડ રૂપિયા કરતાં વધુનાં કાર્યો સોંપાયાં હતાં, જેને પગલે કૉન્ટ્રૅક્ટની રકમ વધીને ૩૬૮.૮૯ કરોડ રૂપિયા થઈ હતી. રસપ્રદ વાત એ છે કે લૉકડાઉન દરમ્યાન શાળાઓ બંધ રહી હોવા છતાં લગભગ ૬૪ કરોડ રૂપિયાની કિંમતનાં કાર્યો આ કૉન્ટ્રૅક્ટરને સોંપવામાં આવ્યાં હતાં.
ધાનુકા સમિતિની ભલામણ અનુસાર શહેરની ૩૩૮ શાળાઓમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવા માટે કૉન્ટ્રૅક્ટર્સની પસંદગી કરવામાં આવી હતી. કૉન્ટ્રૅક્ટ ૨૦૧૯ની ૧૭ માર્ચે સમાપ્ત થયો હતો અને નવો કૉન્ટ્રૅક્ટ શરૂ થવાનો હતો, પરંતુ બીએમસીના અધિકારીઓની શિથિલતાને કારણે આ કરાર પૂર્ણ થાય એના ત્રણ મહિના પહેલાં નવાં ટેન્ડર્સ જારી કરવાનાં રહે છે, જે જારી કરવામાં નહોતાં આવ્યાં એથી કૉન્ટ્રૅક્ટર્સને ૬ મહિનાનું એક્સટેન્શન અપાયું હતું જે વધુ લંબાવવામાં આવ્યું હતું. લૉકડાઉન દરમ્યાન મુંબઈની દરેક શાળા બંધ હોવા છતાં આ એક્સટેન્શનને પગલે લૉકડાઉન દરમ્યાન વધુ એક્સટેન્શન અપાયું હતું.