14 April, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના અનેક વિસ્તારોમાં પ્રાઇવેટ કૂવાઓમાંથી પાણી સીંચીને વૉટર ટૅન્કર દ્વારા એ પાણી દિક્ષણ મુંબઈ સહિતના અનેક વિસ્તારોને પૂરું પાડવામાં આવે છે. આ ટૅન્કરના માલિકો સરકાર સામે પડ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી વૉટર ટૅન્કર દ્વારા પાણીની સપ્લાય નથી કરી રહ્યા. તેમના પ્રતિનિધિઓ દ્વારા સરકારી સ્તરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી મડાગાંઠ ઉકેલાઈ ન હોવાથી આજે પણ અનેક મુંબઈગરાઓએ પાણી વગર જ ચલાવવું પડે એવી પરિસ્થિતિ છે.
આ બાબતે માહિતી આપતાં મુંબઈ વૉટર ટૅન્કર અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી સંદીપ માંઢરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભૂમિગત પાણી મૂળમાં કેન્દ્ર સરકારને હસ્તક હોવાથી ૨૦૧૮માં એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો, જેમાં પ્રાઇવેટ કૂવામાંથી પાણી લેવા માટેના નિયમો નક્કી કર્યા હતા. જોકે એ પછી તરત કોવિડ આવ્યો અને છેલ્લા થોડા વખતથી કેન્દ્ર સરકાર કૂવાના માલિકોને આ માટે નોટિસ મોકલીને કાર્યવાહી કરી રહી છે. અમને જે મુખ્ય સમસ્યા નડે છે એ તેમની કૂવા માટે ૨૦૦૦ સ્ક્વેરફુટની જગ્યા અલાયદી હોવી જોઈએ એ છે. મુંબઈમાં માંડ ટૅન્કર પાર્ક કરવાની જગ્યા હોય ત્યાં ૨૦૦૦ સ્ક્વેરફુટની ઓપન સ્પેસ ક્યાંથી લાવવી? વળી અમારે વર્ષનાં ૧૫ ટૅન્કર માટે એકસાથે અપ્લાય કરવું પડે છે. ઑનલાઇન જ ઍપ્લિકેશન થાય છે. અમે એ માટે અપ્લાય કરીએ, પણ ૨૦૦૦ સ્ક્વેરફુટની જગ્યા ન હોવાથી અમારી ઍપ્લિકેશન હવે સબમિટ જ નથી થઈ શકતી. એ અપ્લાય કરતી વખતે જ રિજેક્ટ થઈ જાય છે. વળી કેન્દ્ર સરકારના આ ખાતાની ઑફિસ દિલ્હીમાં અને નાગપુરમાં જ છે.’
સરકારમાં આ બાબતે રજૂઆત કરાઈ? એમનું શું કહેવું છે? એવા સવાલના જવાબમાં સંદીપ માંઢરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં જ કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ મુંબઈ આવ્યા હતા. તેમને અમે રજૂઆત કરી તો તેમણે કહ્યું કે એ નિયમાવલિના અમલીકરણને પોસ્ટપોન કરી શકાય. વળી તેઓ નિયમો ન પાળ્યા એમ કહીને અમને ૧૫ ટૅન્કરદીઠ પાંચ વર્ષની પેનલ્ટી એકસાથે ભરવા કહે છે. જોકે એમ કરવા છતાં અમારો પ્રશ્ન તો ઊભો ને ઊભો જ રહે છે. મુંબઈમાં ૨૦૦૦ સ્ક્વેરફુટ જગ્યા કઈ રીતે શક્ય છે? એથી હવે આ મડાગાંઠ જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી અમે પાણી સપ્લાય નથી કરવાના.’