22 March, 2025 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
મુંબઈગરાઓ છેલ્લા કેટલાય સમયથી ખોદી નાખવામાં આવેલા રોડને લીધે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ત્યારે એની ચર્ચા વિધાનસભામાં પણ કરવામાં આવી હતી. જોકે આ ચર્ચા લોકોની હેરાનગતિ બાબતે નહોતી પણ મુંબઈમાં બનેલા રસ્તાના કામની ક્વૉલિટીને લઈને હતી. એમાં પણ નવાઈની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યોએ રસ્તાના કામ સામે સવાલ ઊભો કરીને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ઘેર્યા હતા.
BJPના કાંદિવલી-પૂર્વના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે વિધાનસભામાં આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. તેમણે એકનાથ શિંદેના સમયમાં મુંબઈમાં સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તા એકદમ હલકી ક્વૉલિટીના બનાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ BJPના અંધેરીના વિધાનસભ્ય અમિત સાટમે પણ મુંબઈના રસ્તાઓને લઈને પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આખું મુંબઈ ખોદી નાખવામાં આવ્યું છે, પણ રોજનું ફક્ત દોઢ કિલોમીટરનું જ કામ થઈ રહ્યું છે. આ બધા કૉન્ટ્રૅક્ટરોને કામ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે આપવામાં આવ્યું હતું. આ પહેલાં થાણેના કોસ્ટલ રોડના કામને લઈને BJPના નેતાઓએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને સવાલ કર્યા હતા.
BJPના વિધાનસભ્યોના આક્ષેપ બાદ સોમવારે વિધાનસભા અધ્યક્ષના ચેમ્બરમાં આ બાબતે મીટિંગ થવાની છે. આ બેઠકમાં મુંબઈના રસ્તાઓના કામની તપાસ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની સ્થાપના કરવી કે નહીં એની ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે. દેવેન્દ્ર ફડણવીસની સરકારે અત્યાર સુધીમાં એકનાથ શિંદેના સમયમાં અલૉટ થયેલા કામમાંથી અમુક કામોની તપાસનો આદેશ આપ્યો હોવાથી બન્ને નેતાઓ વચ્ચે કોલ્ડ વૉર ચાલી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે.