ટ્રૅક્ટરને ઓવરટેક કરવાની લાય જીવલેણ નીવડી

17 July, 2024 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીથી પંઢરપુર જવા નીકળેલા યાત્રાળુઓની બસનો અકસ્માત, પાંચનાં મોત અને ૪૦ કરતાં વધુ ઘાયલ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટ્રૅક્ટર સાથે અથડાઈને બસ રેલિંગ તોડીને ૨૦ ફીટ ઊંડા ખાડામાં પડી હતી

આજે અષાઢી એકાદશી હોવાથી એ નિમિત્તે ડોમ્બિવલીથી ૫૪ યાત્રાળુઓ જયશ્રી ટ્રાવેલ્સની પ્રાઇવેટ બસમાં ગઈ કાલે પંઢરપુર જઈ રહ્યા હતા ત્યારે તેમની બસનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત થયો હતો, જેમાં ત્રણ યા‌ત્રાળુ સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. બીજા ૪૦ જણને ઈજા થઈ છે, એમાં પાંચ વ્યક્તિ ગંભીર છે.

નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિવેક પાનસરેએ કહ્યું હતું કે ‘સોમવારે મધરાત બાદ ૧ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. એક્સપ્રેસવે પર આગળ જઈ રહેલા ટ્રૅક્ટર સાથે યાત્રાળુઓની બસ પાછળથી અથડાઈ હતી અને ત્યાર બાદ એ બસ ડાબી બાજુની રેલિંગ તોડી ૨૦ ફીટ ઊંડા ખાડામાં પડી હતી.’

મૂળ યુપીનો ૨૮ વર્ષનો તબરેઝ સલાઉદ્દીન અહમદ એક્સપ્રેસવે પરથી તેનું ટ્રૅક્ટર લઈને જઈ રહ્યો હતો ત્યારે બસના ૫૪ વર્ષના ડ્રાઇવર સંજય પાટીલે એ ટ્રૅક્ટરને ઓવરટેક કરતી વખતે ટ્રૅક્ટરને બસ ઠોકી દીધી હતી અને ત્યાર બાદ સ્ટિયરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવતાં બસ લેફ્ટ સાઇડની રેલિંગ તોડીને હાઇવેની બાજુના ઊંડા ખાડામાં પડી હતી.  આ અકસ્માતમાં તબરેઝ અને તેની સાથેનો ૩૦ વર્ષનો દીપક રાજભર પણ મૃત્યુ પામ્યા છે; જ્યારે યાત્રાળુઓમાં ગુરુનાથ પાટીલ (ઉં.વ. ૭૦), રામદાસ મુકાદમ (ઉં.વ. ૭૦) અને હંસાબાઈ પાટીલ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. ક્રેનની મદદથી બસ અને ટ્રૅક્ટર બન્નેને હટાવવામાં આવ્યાં હતાં. એ પછી રોડ ​ક્લિયર થતાં એક્સપ્રેસ વેનો વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ શક્યો હતો.

 મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જીવ ગુમાવનારી વ્યક્તિના પરિવારને પાંચ લાખની મદદ જાહેર કરી હતી અને ડૉક્ટરો અને સરકારી અધિકારીઓને સૂચના આપતાં કહ્યું હતું કે ઘાયલોને સારામાં સારી સારવાર આપવામાં આવે અને એનો બધો ખર્ચો સરકાર ઉપાડશે.

road accident dombivli mumbai pune expressway mumbai-pune expressway pune-mumbai expressway mumbai mumbai news