03 January, 2025 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ
૨૦૨૪માં મુંબઈમાં કેટલી પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું એના આંકડા ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન ઍન્ડ કન્ટ્રોલર ઑફ સ્ટૅમ્પ્સ (IGR)એ બહાર પાડ્યા છે જેમાં મુંબઈમાં ઘરોના વેચાણમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે.
ગયા વર્ષે ૧.૬ લાખ કરોડ રૂપિયાની કિંમતનાં ૧,૪૧,૩૦૨ ઘર વેચાયાં હતાં જેમાંથી સરકારને ૧૨,૧૬૧ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશનની આવક થઈ હતી. ફક્ત ડિસેમ્બરમાં જ ૧૨,૧૯૩ ઘર વેચાયાં હતાં જેને લીધે ૧૧૧૬ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટીની સરકારને ઇન્કમ થઈ હતી. સૌથી વધારે ૧૪,૧૪૯ રજિસ્ટ્રેશન માર્ચ મહિનામાં થયાં હતાં અને ૧૧૨૨ કરોડ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટીરૂપે સરકારની તિજોરીમાં આવ્યા હતા.
મુંબઈમાં સ્ક્વેરફુટદીઠ સરેરાશ ૧૪,૨૦૦ રૂપિયાના ભાવે ઘર વેચાયાં હતાં. ગયા વર્ષે નવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ૫૦૦ ફુટ કે એનાથી નાનાં ઘરોની ડિમાન્ડમાં સારોએવો ઘટાડો થયો છે. ૨૦૨૩માં કુલ વેચાણમાંથી ૫૧ ટકા ઘરો ૫૦૦ ફુટ કે એનાથી નાનાં વેચાયાં હતાં જે ગયા વર્ષે ઘટીને ૩૫ ટકા થઈ ગયું છે, જ્યારે ૧૦૦૦થી ૨૦૦૦ સ્ક્વેરફુટનાં ઘરનું વેચાણ ૨૦૨૩ના ૮ ટકાથી વધીને ૨૦૨૪માં ૧૨ ટકા થઈ ગયું છે. ૨૦૦૦ સ્ક્વેરફુટ અને એનાથી માટી સાઇઝના ફ્લૅટની ડિમાન્ડમાં ખાસ કોઈ ફરક નથી પડ્યો. એનું ૨૦૨૩ની જેમ જ બે ટકા વેચાણ રહ્યું છે.
કુલ વેચાણમાંથી ૮૬ ટકા ફ્લૅટ સબર્બ્સમાં વેચાયા હતા, જ્યારે શહેરમાં ૭ ટકા ફ્લૅટનું વેચાણ થયું હતું. ઊંચા ભાવને લીધે ૨૦૨૩ની જેમ ગયા વર્ષે પણ શહેરમાં ફ્લૅટના વેચાણમાં ખાસ કોઈ ફરક નહોતો પડ્યો.
39,767- ફાઇનૅન્શિયલ યર ૨૦૨૪-’૨૫માં રાજ્ય સરકારે સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશનની ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા મૂકી છે જેમાંથી ૩૧ ડિસેમ્બર સુધી આટલા કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે જે ૨૦૨૩માં ૩૧ ડિસેમ્બર સુધી થયેલા ક્લેક્શન કરતાં ઓછું છે.