19 November, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં જૉન્સન ઍન્ડ જૉન્સન પાસે આવેલા ઑબેરૉય રિયલ્ટીના ઑબેરૉય ઇટર્નિયા પ્રોજેક્ટમાં પ્રેતાત્મા છે અને એ ત્યાં પૅસેજમાં રાખેલી વાંસના માંચડાની સ઼ીડી પોતાની રીતે ચલાવે છે અને કામગારોને મારે છે એવા વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં તેમ જ મુલુંડના લોકોમાં સર્ક્યુલેટ થયા હતા અને ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. જોકે આ બાબત પોલીસ સુધી પહોંચતાં આમાં કેટલું તથ્ય છે એ જાણવા મુલુંડ પોલીસ પણ ગઈ કાલે રાતે ત્યાં તપાસ માટે ગઈ હતી. જોકે પછીથી એ વિડિયો એક વર્ષ જૂના હોવાના અને બહારગામના હોવાના મેસેજ પણ ફેસબુક અને અન્ય સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા. કોઈએ એને ઉત્તર પ્રદેશના બરેલીનો વિડિયો કહ્યો હતો તો કોઈએ એને વિદેશનો વિડિયો ગણાવ્યો હતો. એ પછી એવા પણ ન્યુઝ ફરતા થયા હતા કે જ્યારથી અમિતાભ બચ્ચન અને તેમના પરિવારે આ પ્રોજેક્ટમાં ફ્લૅટ બુક કરાવ્યા છે ત્યારથી આવા ફેક ન્યુઝ સ્પ્રેડ કરવામાં આવી રહ્યા છે એવું સોસાયટીના સેક્રેટરીનું કહેવું છે.