✕

હવે સૈફ અલી ખાનને ધમકીઃ બાબા સિદ્દીકી જેવો હાલ કરીશું

20 November, 2026 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબા ‌સિદ્દીકીના મર્ડર બદલ વૉન્ટેડ આરોપી ઝીશાન અખ્તરના નામે વૉઇસ-મેસેજ મળ્યો, બૉલીવુડમાં ફરી ખળભળાટ ફેલાયો

વૉન્ટેડ આરોપી ઝીશાન અખ્તર અને સૈફ અલી ખાન

અમિતાભ બચ્ચનને ઉપરાઉપરી બે દિવસ મારી નાખવાની ધમકી તાજેતરમાં જ મળી છે ત્યારે ગઈ કાલે સૈફ અલી ખાનને પણ ધમકી ભરેલો મેસેજ મળતાં બૉલીવુડમાં ફરી ખળભળાટ થયો છે. સૈફ અલી ખાનને તેના ફોન પર ઝીશાન અખ્તરના નામે એક વૉઇસ-મેસેજ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેનો પણ બાબા સિદ્દીકી જેવો જ હાલ થશે.

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઑફિસ બહાર જ ત્રણ શૂટર્સે ગોળી મારી હત્યા કરી હતી. આ હત્યાના કેસનો વૉન્ટેડ આરોપી ઝીશાન અખ્તર આ ધમકી પાછળ હોવાની શંકા છે. મુંબઈ પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે જેથી ધમકીની સત્યતા ચકાસી શકાય અને એના માટે કોણ જવાબદાર છે એ જાણી શકાય.

આ પહેલાં ઍક્ટર તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ ધમકીઓ મળી હતી. એ કેસ સંદર્ભે પોલીસે બૅન્ગલોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)ના સ્ટુડન્ટ ૩૦ વર્ષના વૈભવ મિશ્રાની ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે વૈભવ મિશ્રાનો કોઈ ગૅન્ગ સાથે સંબંધ નથી. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ગૅન્ગનો સભ્ય હોવાનો ડોળ કરતાં ધમકીઓ આપી હતી.

હાલના કિસ્સામાં પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ધમકી ખરેખર ઝીશાન અખ્તર દ્વારા આપવામાં આવી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરીને હસ્તીઓને ડરાવી રહી છે.

saif ali khan mumbai police mumbai news mumbai mumbai crime news