26 November, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનાં મેયર રિતુ તાવડે અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)નાં કમિશનર અશ્વિની ભીડે સહિત મુંબઈનાં અનેક ઠેકાણાંઓને બૉમ્બની ધમકી (Bomb Threat) મળવાનો સિલસિલો ચાલુ જ છે. હવે ફરી એકવાર બૉમ્બની ધમકીનો ઈ-મેલ મળતાં જ ખળભળાટ મચી ગયો છે. આ ઈ-મેલને પગલે પોલીસતંત્ર પણ સાબદું થઈ ગયું છે. તાજેતરમાં મળેલા આ ઈ-મેલમાં જાહેર સ્થળોની સાથે અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન `જલસા` અને પંજાબી ગાયક-અભિનેતા દિલજિત દોસાંઝના કોન્સર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર આજે સવારે ૧૦.૧૨ કલાકે મુંબઈની પાલિકાના સત્તાવાર ઈ-મેલ આઈડી, મુંબઈનાં મેયર રિતુ તાવડે અને બીએમસીનાં કમિશનર અશ્વિની ભીડેને આ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો (Bomb Threat) હતો. આ ધમકીભર્યા ઈ-મેલમાં જણાવાયું છે કે મુંબઈ પાલિકાના હેડ-ક્વાર્ટરને અને મેયર ઑફિસને બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે. ઉપરાંત મુંબઈનાં કેટલાંક ભીડભાડવાળાં સ્થળોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. ઈ-મેલ મોકલનારે અમિતાભ બચ્ચનના `જલસા` બંગલાને સુદ્ધાં ઉડાવી દેવાની ધમકી આપી છે. તે સિવાય મહાલક્ષ્મી રેસકોર્સ, મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન અને સાયન્સ આચાર્ય મેટ્રો સ્ટેશન પર બૉમ્બ મૂક્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પંજાબી સુપરસ્ટાર દિલજિત દોસાંઝના મુંબઈ ખાતે યોજાનાર કોન્સર્ટના દિવસે પણ બૉમ્બ-અટૅક કરવામાં આવશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ધમકીભર્યા ઈ-મેલમાં ખાલિસ્તાની અલગતાવાદી નારાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. `ખાલિસ્તાન નેશનલ આર્મી` અને `બબ્બર ખાલસા` જેવાં પ્રતિબંધિત સંગઠનોના નામનો ઉલ્લેખ કરીને મુંબઈમાં ગ્રેનેડ હુમલા કરવાની અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડવાની ધમકી (Bomb Threat) અપાઈ છે.
જોકે ધમકીભર્યા ઈ-મેલ મળ્યાની આ ઘટના નવી તો નથી જ. ગત ચાર મહિનાની જ વાત કરીએ તો મુંબઈ નગરપાલિકાને આ પ્રકારે પાંચમી વખત ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. સતત મળી રહેલી આ ધમકીઓને પગલે મુંબઈ પોલીસ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ હાઈ અલર્ટ પર આવી ગઈ છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાયબર સેલ અને પોલીસ દ્વારા બારીકાઈથી તપાસ (Bomb Threat) શરૂ કરી દેવામાં આવી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ વર્ષે જ મુંબઈનાં મેયર રિતુ તાવડેને અનેકવાર ધમકીઓ મળી છે. જૂન મહિનામાં મળેલ એક ઇમેલમાં મેયરની કાર અને ઑફિસને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ત્યારબાદ જુલાઇમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. સાતમી ઑગસ્ટે પણ મેયરને એક આવો જ ઈ-મેલ આવ્યો હતો જેમાં સ્વતંત્રતા દિવસ પહેલાં તેમની ઑફિસ, મેટ્રો સ્ટેશનો, સ્કૂલો અને બીએસઈ પર બૉમ્બ-બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછી ઑક્ટોબરમાં પણ મેયરની ઑફિસ, અમિતાભ બચ્ચનના બંગલા અને મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે દિલજિત દોસાંઝના કોન્સર્ટના સ્થળ પર હુમલાની ધમકી આપવામાં આવી હતી.