25 April, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે વિરારથી ચર્ચગેટની AC લોકલ ટ્રેનમાં ચડી ગયેલા એક અર્ધનગ્ન યુવકે અફરાતફરી મચાવી દીધી હતી એટલું જ નહીં, તેણે અજુગતું વર્તન કરવાનું શરૂ કર્યું હતું. અમુક લોકોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેને કોઈ ફરક જ નહોતો પડ્યો. મુસાફરો આ જોઈને ગભરાઈ ગયા હતા.
થાણેમાં ગઈ કાલે બપોરે પારો ૪૧ ડિગ્રીએ પહોંચતાં લોકો રીતસર ગરમીમાં શેકાઈ ગયા હતા. સવારથી થાણેનું તાપમાન સામાન્ય કરતાં વધારે હતું અને બપોર સુધીમાં તો પારો ૪૧ ડિગ્રીએ પહોંચી ગયો હતો. મુંબઈમાં પણ હીટવેવની શક્યતા હતી, પરંતુ ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું. સવારે ૮ વાગ્યે મુંબઈમાં લગભગ ૩૧થી ૩૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે થાણેમાં સવારે ૩૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. આજે પણ મુંબઈ અને થાણેમાં ગરમ પવનો સાથે હીટવેવની યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે.
ઍન્ટૉપ હિલ મોનોરેલ સ્ટેશન પાસે બાઇક પર પૅટ્રોલિંગ કરી રહેલા બે ટ્રાફિક-પોલીસે તેમની પાસેથી ઝડપથી કાર પસાર થયેલી જોઈને શંકા જતાં એનો પીછો કર્યો હતો અને એને રોકી હતી. એ પછી ડ્રાઇવરની પૂછપરછ કરતાં કારમાં પ્રવાસ કરી રહેલા બન્ને જણ બહાર આવ્યા હતા અને તેમણે કશુંક ફગાવી દીધું હતું. તપાસ કરતાં ફગાવેલી વસ્તુ ગન હોવાનું જણાઈ આવતાં તે બન્ને સામે આર્મ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
શુક્રવારે વહેલી સવારે માનખુર્દમાં ભંગારનાં ૬ ગોડાઉનમાં આગ લાગી હતી અને એમાં એક વ્યક્તિ ઈજા પામી હતી. ગોવંડી-માનખુર્દ લિન્ક રોડ પર સવારે પાંચ વાગ્યે લાગેલી આગ એક પછી એક ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી જેને કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટૉલેશન, LPG સિલિન્ડર, તાડપત્રીની શીટ્સ, તેલનાં ડ્રમ, પ્લાયવુડ શીટ, સ્ટીલ શીટ અને અન્ય ભંગાર સામગ્રી બળી ગઈ હતી. આગ સવારે ૮.૪૦ વાગ્યે બુઝાવાઈ હતી.
થાણેમાં શુક્રવારે એક ઘરમાં આગ લાગવાથી એક બિલાડીનું મોત થયું હતું અને ઘરની મિલકત બળીને ખાખ થઈ ગઈ હતી એમ થાણે મ્યુનિિસપલ કૉર્પોરેશન (TMC)ના અધિકારીએ જણાવ્યું હતું. રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘શાસ્ત્રીનગર વિસ્તારમાં બે માળની ચાલીના પહેલા માળે સવારે ૧૦.૪૩ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. એ સમયે રૂમમાં રહેલી એક મહિલાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેની પાળેલી બિલાડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આગમાં ઘરવખરી અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ બળીને ખાખ થઈ ગયાં હતાં. છત પરની લોખંડની શીટ પણ ગરમીને કારણે તૂટી પડી હતી.’
ગારોડિયાનગરની સકલ હિન્દુ સંમેલન સમિતિ તરફથી આજે ૨૫ એપ્રિલે સાંજે ૫.૩૦ વાગ્યે ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરમાં નાઇન્ટી ફીટ રોડ પર ભજન સમાજમાં સકલ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ મનોજકુમાર સિંહા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.