20 June, 2024 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણી માટેના કામમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ૧૧,૮૪૭ ઑફિસરો અને કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાથી જોડવામાં આવ્યા હતા. ચૂંટણી પતી ગયાને ખાસ્સો સમય થઈ ગયો હોવા છતાં ઇલેક્શન કમિશને એમાંના ૪૩૯૩ કર્મચારીઓને તેમની ઇલેક્શન-ડ્યુટીમાંથી મુક્ત કર્યા નથી.
BMCના એક ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે ‘BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ આ સંદર્ભે મુંબઈ સિટીના કલેક્ટર અને મુંબઈ સબર્બનના કલેક્ટરને પત્ર લખીને એ કર્મચારીઓને ઇલેક્શન-ડ્યુટીમાંથી મુક્ત કરવામાં આવે એ માટે પત્ર લખ્યા હોવા છતાં તેમને મુક્ત કરવામાં આવ્યા નથી. આટલા મોટા પ્રમાણમાં કર્મચારીઓ એ કામમાં રોકાયા હોવાથી રેગ્યુલર કામમાં તેમની ખોટ વર્તાય છે અને પ્રી-મૉન્સૂનના કામ સહિત અન્ય કામો પર પણ એની અસર પડે છે.’
ઇલેક્શન કમિશને આ સિવાય ખાસ કરીને મતદાનના દિવસે અને એ પછી કાઉન્ટિંગના દિવસે BMCના બીજા ૧૧,૫૦૦ કર્મચારીઓની પણ મદદ લીધી હતી. જોકે એ બધા જ કર્મચારીઓને એ પછી તરત જ છૂટા કરી દેવાયા હતા.
BMCના કર્મચારીઓને ઇલેક્શન-ડ્યુટીમાંથી ક્યારે મુક્ત કરશો એમ પૂછવામાં આવ્યું ત્યારે મુંબઈ સબર્બનના કલેક્ટર રાજેન્દ્ર ક્ષીરસાગરે કહ્યું હતું કે ‘મોટા ભાગના સ્ટાફને રિલીવ કરી દેવામાં આવ્યો છે. બાકીનો જે સ્ટાફ છે એને વિધાનસભાની ચૂંટણીના કામ માટે રાખવામાં આવ્યો છે.’
BMCના ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે ઇલેક્શન કમિશનને ઑફિસરો અને કર્મચારીઓની જરૂર છે એ ખરું, પણ હાલ જે સ્ટાફને રોક્યો છે એને મુક્ત કરવામાં આવે અને એની જગ્યાએ અન્ય સ્ટાફને નીમવામાં આવે.