02 April, 2025 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રો
મુંબઈ મેટ્રો-૩ અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવી છે અને આરે-BKC-વરલી અને કોલાબા સુધીનો એનો રૂટ છે. હાલમાં એ આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી દોડાવવામાં આવી રહી છે. જોકે બહુ ઓછા પ્રવાસીઓ મળતા હોવાને કારણે માત્ર ૩ ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે, જ્યારે બાકીની ટ્રેનો કારશેડમાં ધૂળ ખાઈ રહી છે.
મેટ્રો-૩ના પહેલા તબક્કાના આરેથી BKC સુધીના ૧૨.૯૯ કિલોમીટરના રૂટ પર ૧૦ સ્ટેશન છે. ૨૦૨૪ની પાંચમી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલા તબક્કામાં મહત્ત્વના એવા સીપ્ઝ, MIDC, ઍરપોર્ટનાં બન્ને ટર્મિનલ હોવા છતાં એમાં પ્રવાસ કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે. આ રૂટ પર પહેલા તબક્કામાં રોજના બે લાખ લોકો પ્રવાસ કરશે એવી અટકળો મુકાતી હતી, જ્યારે હકીકતમાં માંડ ૨૦,૦૦૦ લોકો એમાં પ્રવાસ કરે છે. એથી પહેલા તબક્કા માટે મગાવાયેલી ૯ ટ્રેનમાંથી ફક્ત ૩ જ ટ્રેન દોડાવવામાં આવે છે. એમાંથી પણ માત્ર બે જ ટ્રેન ઍક્ચ્યુઅલમાં દોડતી હોય છે, ત્રીજી ટ્રેનને તો સ્ટૅન્ડ-બાય રાખવામાં આવે છે.
મેટ્રો-૩ના બીજા તબક્કામાં વરલીના આચાર્ય અત્રે ચોક અને ત્યાર બાદ છેલ્લા અને ત્રીજા તબક્કામાં કફ પરેડ સુધી ટ્રેન દોડાવવામાં આવશે. આખા રૂટને ધ્યાનમાં રાખીને કુલ ૪૨ ટ્રેન (રેક) બનાવવાનો ઑર્ડર ફ્રાન્સની અલ્સ્ટૉમ કંપનીને આપવામાં આવ્યો છે. એ માટે ૨૩,૨૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે. આમ એક ટ્રેન-રેક ૫૫૨ કરોડ રૂપિયામાં પડી છે.