Mumbai Gas Supply Crisis: બે દિવસમાં શહેરનાં 50 ટકા હોટેલ-રેસ્ટોરન્ટ બંધ થશે?

10 March, 2026 03:03 PM IST  |  Mumbai | Chirantana Bhatt

પુરવઠામાં 25 ટકાથી વધુનો કાપ વિનાશક સાબિત થઈ શકે છે,` હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને 20 ટકા શટડાઉન વચ્ચે `દયાપૂર્વક હસ્તક્ષેપ` કરવા અપીલ કરી, જો આમ ચાલશે તો રેસ્ટોરન્ટના રસોડાં ચાલતા બંધ થશે, મુંબઈગરાંને બહાર જમવા જવાનો પ્લાન બનાવવાનું માથે પડશે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઇન્ડિયન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (AHAR)એ ચેતવણી આપી છે કે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ની સતત ચાલી રહેલી અછત મુંબઈની હોટલો અને રેસ્ટોરન્ટ્સને બે દિવસમાં બંધ થવા માટે મજબૂર કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર AHARના પ્રમુખ વિજય કે. શેટ્ટીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્ર 25 ટકા સુધીનો કાપ સહન કરી શકે છે, પરંતુ ગેસ સપ્લાય સંપૂર્ણ બંધ થશે તો વ્યવસાયો અને કામદારો માટે વિનાશક સાબિત થશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં અનેક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા ઇન્ડિયન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (AHAR)એ શહેરના હોસ્પિટાલિટી સેક્ટર પર તોળાઈ રહેલી ઉર્જા કટોકટી અંગે કેન્દ્ર સરકારને તાકીદની અપીલ કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને લખેલા ઔપચારિક પત્રમાં, AHARના પ્રમુખ વિજય કે. શેટ્ટીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)માં સંભવિત ઘટાડા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશને હાઇલાઇટ કર્યું હતું કે ઉદ્યોગ પુરવઠામાં મામૂલી ઘટાડો મેનેજ કરી શકે છે, પરંતુ સંપૂર્ણ સ્ટોપેજ બિઝનેસ માટે વિનાશક સાબિત થશે, જે વ્યવસાયો અને તેમના પર નિર્ભર લાખો કામદારો બંનેને અસર કરશે. નરીમાન પોઈન્ટથી લઈને દહિસર અને મુલુંડ સુધી, સમગ્ર મુંબઈની રેસ્ટોરન્ટ્સમાં આ અછતની અસર જોવા મળી રહી છે, જેમાં રવિવારથી કોમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં સંપૂર્ણ ઠપ્પ હોવાના અહેવાલો છે.

ગેસ કટોકટી વચ્ચે AHARની કેન્દ્રને અપીલ

AHARએ સ્પષ્ટ કર્યું હતું કે આ ક્ષેત્ર PNG પુરવઠામાં 25 ટકા સુધીનો કાપ સહન કરી શકે છે, પરંતુ આ મર્યાદાથી વધુ કોઈ પણ ઘટાડો ભયાનક પરિણામો સાથે વિનાશક સાબિત થશે. એસોસિએશને ચેતવણી આપી હતી કે સંપૂર્ણ સ્ટોપેજ હોટલ અને રેસ્ટોરન્ટ્સ માટે કાર્યરત રહેવું "વ્યવહારિક રીતે અશક્ય" બનાવશે. શહેરી કોમર્શિયલ કિચન, જે કાર્યક્ષમતા અને સલામતી માટે પરંપરાગત ઇંધણમાંથી PNG તરફ વળ્યા છે, તેમની પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ટોટલ શટડાઉન માત્ર મુંબઈ શહેરના કિચનને બંધ કરશે એવું નહીં થાય પણ સર્વિસ ઇન્ડસ્ટ્રીની કરોડરજ્જુ સમાન લાખો કામદારોની આજીવિકાને પણ જોખમમાં મૂકશે.

એસોસિએશને સેક્ટરની આર્થિક સ્થિરતાને સુરક્ષિત રાખવા માટે સરકારને PNGના લઘુત્તમ ગેરંટીકૃત પુરવઠાની ખાતરી આપવા વિનંતી કરી છે. AHAR એ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બેઝલાઇન જાળવવી માત્ર બિઝનેસ ચાલુ રહે તે માટે જ નહીં પરંતુ હજારો રસોઈયા, સર્વર્સ અને સપોર્ટ સ્ટાફના રક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે જેમની આવક દૈનિક કામગીરી પર નિર્ભર છે.

ગેસ કટોકટીને કારણે મુંબઈમાં 20 ટકા હોટલ બંધ


ઈંધણની અછતની અસર પહેલેથી જ દેખાઈ રહી છે. AHARએ રિપોર્ટ આપ્યો છે કે કોમર્શિયલ LPG પુરવઠામાં વિક્ષેપને કારણે મુંબઈમાં લગભગ 20 ટકા હોટલ અને રેસ્ટોરન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ ગયા છે. એસોસિએશને વધુમાં ચેતવણી આપી છે કે, જો ગેસ પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો આગામી બે દિવસમાં શહેરની અડધો અડધ હોટલો બંધ થવાની ફરજ પડી શકે છે. રેસ્ટોરન્ટ્સની કામગીરી ચાલુ રાખવાની ક્ષમતા મોટાભાગે દરેક સંસ્થા પાસે રહેલા અત્યારે જેટલો હશે એટલા સ્ટોકમાં રહેલા ગેસ સ્ટોક પર નિર્ભર રહેશે.

પૂરવઠાની અછત અને ભૌગોલિક-રાજકીય અસરો

ઈંધણની અછતની ગંભીર અસરો અત્યારે જ દેખાવા લાગી છે. AHARના અહેવાલ મુજબ, કોમર્શિયલ LPG સિલિન્ડરના પૂરવઠામાં ભારે અછતને કારણે મુંબઈની લગભગ 20 ટકા હોટલ અને રેસ્ટોરન્ટ્સ અત્યાર સુધીમાં કામચલાઉ ધોરણે બંધ થઈ ગઈ છે. હાલમાં મુંબઈમાં ઘરેલુ ગેસનો પૂરવઠો (14.2 કિલો) પ્રાથમિકતાના ધોરણે ચાલુ રખાયો છે, પરંતુ રવિવારથી કોમર્શિયલ ગેસનો પૂરવઠો સંપૂર્ણપણે શૂન્ય (Zero) થઈ ગયો છે, જેને કારણે વ્યાપારી એકમો પાસે ઈંધણનો કોઈ જ વિકલ્પ રહ્યો નથી. એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકમાં પૂરવઠો પૂર્વવત નહીં થાય, તો શહેરની 50 ટકા ખાણી-પીણીની સંસ્થાઓને તાળાં મારવાની ફરજ પડશે. આ કટોકટી હવે માત્ર મુંબઈ પૂરતી મર્યાદિત નથી રહી, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં પણ તીવ્ર અછત નોંધાઈ રહી છે, જ્યાં રેસ્ટોરન્ટ માલિકો લાચારીમાં ઇન્ડક્શન કૂકિંગ જેવા વિકલ્પો અપનાવી રહ્યા છે.

પૂરવઠામાં આ વિક્ષેપનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ છે, જેણે દરિયાઈ માર્ગે `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ` (Strait of Hormuz) માંથી પસાર થતા LNG શિપમેન્ટને માઠી અસર પહોંચાડી છે. HPCL, ONGC અને BPCL જેવી મુખ્ય કંપનીઓ અત્યારે આ પુરવઠા શૃંખલાને ફરીથી કાર્યરત કરવાના પડકારનો સામનો કરી રહી છે. રેસ્ટોરન્ટ્સની કામગીરી ચાલુ રાખવાની ક્ષમતા હવે સંપૂર્ણપણે તેમની પાસે રહેલા ગેસના છેલ્લા સ્ટોક પર નિર્ભર છે. અછતને કારણે એવી આશંકા સેવાઈ રહી છે કે કોમર્શિયલ વપરાશકારોને કાળાબજારમાં ઘરેલુ (ડોમેસ્ટિક) સિલિન્ડરો ખરીદવાની ફરજ પડી શકે છે.

જાણો બીજા શહેરોમાં શું હાલત?

PTI ના અહેવાલ મુજબ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું કહેવું છે કે મોટાભાગની રેસ્ટોરન્ટ્સ પાસે માત્ર 2થી 3 દિવસનો જ ઇન્વેન્ટરી સ્ટૉક હોય છે, જેનો અર્થ છે કે પૂરવઠામાં સામાન્ય વિલંબ પણ કામગીરીને ઠપ્પ કરી શકે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત પુણે અને નાગપુરમાં પણ અછત વર્તાઈ રહી છે. રાજસ્થાનના જયપુરમાં ઘરેલુ પૂરવઠાને પ્રાથમિકતા અપાતા વ્યાપારી વપરાશકારો માટે ૭ દિવસ સુધીનું વેઇટિંગ લિસ્ટ તૈયાર થયું છે. બેંગલુરુમાં હોટલ એસોસિએશને અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે રેસ્ટોરન્ટ્સને મેનૂ મર્યાદિત રાખવા અને કામના કલાકોમાં કાપ મૂકવા જેવી આકરી સલાહ આપી છે.

 

mumbai news mumbai food news mumbai metropolitan region mmr jaipur hyderabad bengaluru hotel and restaurant