આજથી મુંબઈગરાને મોંઘવારીનો માર

01 September, 2026 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ અસોસિએશન (MMPA) દ્વારા હોલસેલ ભાવમાં પ્રતિ લીટર ૯ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

તબેલાનું દૂધ ૯ રૂપિયા મોંઘું

૧ સપ્ટેમ્બરથી મુંબઈમાં છૂટક દૂધના ભાવમાં વધારો થયો છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ અસોસિએશન (MMPA) દ્વારા હોલસેલ ભાવમાં પ્રતિ લીટર ૯ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. એનાથી દૂધનો હોલસેલ ભાવ ૯૩ રૂપિયાથી વધીને ૧૦૨ રૂપિયા પ્રતિ લીટર થયો છે. હોલસેલ દૂધના ભાવમાં વધારાને પરિણામે રીટેલ દૂધનો ભાવ ૧૦૦-૧૦૪ રૂપિયાથી વધીને વિસ્તાર અને વેપારી મુજબ ૧૧૦થી ૧૧૨ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચવાની શક્યતા છે. મુંબઈમાં દરરોજ ભેંસના આશરે ૪૦ લાખ લીટર દૂધનું વિતરણ થાય છે. ગણેશોત્સવ અને નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો દરમ્યાન દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધવાની હોવાથી આ ભાવવધારાથી સામાન્ય નાગરિકોના બજેટ પર એની સીધી અસર પડશે.

આજથી રિક્ષાઅને ટૅક્સી માટે વધુ ભાડું ચૂકવવું પડશે

આજથી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં રિક્ષા અને ટૅક્સી માટે વધુ ભાડું ચૂકવવું પડશે. રિક્ષાના મિનિમમ ડિસ્ટન્સ ૧.૫ કિલોમીટર માટે ભાડામાં ૧ રૂપિયાનો અને ટૅક્સીના મિનિમમ ડિસ્ટન્સ ૧.૫ કિલોમીટરના ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. શૅર-અ-રિક્ષાનું મિનિમમ ભાડું હવે પૅસેન્જરદીઠ ૧૨ રૂપિયા અને શૅર-અ-ટૅક્સીમાં મિનિમમ ભાડું ૧૧ રૂપિયા રહેશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે રવિવારે સાંજે ડ્રાઇવરો અને પ્રવાસીઓ માટે નવું ભાડાપત્રક બહાર પાડ્યું હતું. પૅસેન્જરો એ જોઈને કરેક્ટ ભાડું ચૂકવી શકશે. જ્યાં સુધી રિક્ષા અને ટૅક્સીના મીટરના કૅલિબરેશનમાં એ પ્રમાણેના ફેરફાર ન થાય ત્યાં સુધી આ ભાડાપત્રક ડ્રાઇવર અને પૅસેન્જરો માટે સહાયરૂપ થશે.

કયા વિસ્તારોમાં ભાડાંમાં વધારો થયો
મુંબઈ, થાણે, નવી મુંબઈ, 
મીરા-ભાઈંદર, કલ્યાણ અને બાકીનો MMR વિસ્તાર. 
નાઇટ ચાર્જ માટે રાતના ૧૨થી સવારના પાંચ વાગ્યા દરમ્યાન પચીસ ટકા વધુ ભાડું ચૂકવવું પડશે.  
કાળી-પીળી AC ટૅક્સી માટે ૧૦ ટકા વધુ ભાડું ચૂકવવું પડશે.

mumbai news mumbai mumbai transport food and drink inflation mumbai metropolitan region mmr