બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને લીધે મુંબઈ પર સાંસ્કૃતિક આક્રમણ

08 January, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ BJPના અધ્યક્ષ અમીત સાટમે આરોપ મૂક્યો કે માલવણી, માનખુર્દ, દેવનાર, કુર્લા જેવા વિસ્તારોમાં રાજકીય સમર્થન સાથે હજારો ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓનું નિર્માણ થયું છે

અમીત સાટમ

બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનને એક અઠવાડિયું બાકી છે ત્યારે મુંબઈના ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ અમીત સાટમે બુધવારે આરોપ લગાવ્યો કે બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોના ધસારાને કારણે મુંબઈની ડેમોગ્રાફી એટલે કે ચોક્કસ વિસ્તારની લોકસંખ્યા ઝડપથી બદલાઈ રહી છે અને સાંસ્કૃતિક આક્રમણ ચાલી રહ્યું છે. અમીત સાટમે આરોપ કરતાં કહ્યું હતું કે રાજકીય સમર્થન, અતિક્રમણ અને વોટ-બૅન્કનું રાજકારણ એ મુંબઈની ડેમોગ્રાફી બદલાવાના ષડ્યંત્ર પાછળનાં મુખ્ય કારણો છે.

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં અમીત સાટમે આરોપ લગાવ્યો હતો કે ‘માલવણી, મલાડ, માનખુર્દ, દેવનાર અને કુર્લા જેવા વિસ્તારોમાં રાજકીય સમર્થન સાથે હજારો ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓનું નિર્માણ થયું છે. આ ચૂંટણીમાં BJP એ વિસ્તારોમાં શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ગંઠબંધનનો સામનો કરશે. અમે મુંબઈનો રંગ બદલવા દઈશું નહીં અને અમે મુંબઈનું મમદાનીકરણ થવા દઈશું નહીં. મુંબઈનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જો એ સુરક્ષિત હશે.’

અમીત સાટમે કરેલી ‘મુંબઈનું મમદાનીકરણ’ની ટીકાનો હેતુ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેના (UBT)ને નિશાન બનાવવાનો છે જેમાં અમીત સાટમે ન્યુ યૉર્ક મેયરની ચૂંટણીમાં ઝોહરાન મમદાનીની જીત સાથે સરખામણી કરી હતી.

અમીત સાટમે આરોપ લગાવ્યો કે મુંબઈના ઘણા ભાગોમાં જાહેર જમીન પર ગેરકાયદે ઝૂંપડપટ્ટી બાંધકામ દ્વારા વ્યવસ્થિત રીતે અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં કથિત બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો સ્થાયી થયા હતા. આ ઘૂસણખોરોને આધાર કાર્ડ, પૅન કાર્ડ અને મતદાર ID મેળવવામાં મદદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને મતદારયાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.

ઉદ્ધવ ઠાકરે પર વધુ હુમલો કરતાં અમીત સાટમે સવાલ કર્યો કે હતો કે ‘ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારના પ્રધાન દ્વારા મુંબઈમાં કેટલા બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને સ્થાયી કરવામાં આવ્યા હતા? આવા ધસારાએ શહેર માટે ગંભીર સુરક્ષા-જોખમ ઊભું કર્યું છે. આજે ઑસ્ટ્રેલિયાના બૉન્ડી બીચ પર જે બન્યું એ કાલે ગિરગામ ચોપાટી પર પણ થઈ શકે છે.’

આંતરરાષ્ટ્રીય કાવતરું?
તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ (TISS)ના અહેવાલને ટાંકીને અમીત સાટમે દાયકાઓથી મુંબઈની લોકસંખ્યામાં થયેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ૧૯૫૧માં હિન્દુઓની વસ્તી ૮૮ ટકા હતી એ ઘટીને ૨૦૧૧માં ૬૬ ટકા થઈ ગઈ હતી, જ્યારે મુસ્લિમ વસ્તી આ જ સમયગાળા દરમ્યાન ૮ ટકાથી વધીને ૨૧ ટકા થઈ છે. ચોક્કસ સમુદાયે એ દબાણ-જૂથો બનાવ્યાં છે અને હવે રાજકીય સત્તામાં હિસ્સો મેળવવા માગી રહ્યા છે. આ લાંબા સમયથી ચાલતું, ઇરાદાપૂર્વકનું અને સારી રીતે વિચારેલું આંતરરાષ્ટ્રીય કાવતરું હોઈ શકે. ગેરકાયદે વસાહતો માટે જગ્યા બનાવવા માટે મૅન્ગ્રોવ્ઝનો નાશ કરવામાં આવી રહ્યો છે એ પર્યાવરણીય અને રાષ્ટ્રીય સુરક્ષા બન્નેની દૃ​ષ્ટિએ ચિંતાજનક છે.’  

mumbai news mumbai bharatiya janata party political news shiv sena maharashtra navnirman sena uddhav thackeray maha vikas aghadi