મુંબઈ ઍરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: એક જ રનવે પર આગળ-પાછળ બે પ્લેન

09 June, 2024 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈ ઍરપોર્ટના એક જ રનવે પર એક જ સમયે બે પ્લેન આવી ગયા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક પ્લેન રનવે પર લેન્ડ થઈ રહ્યું છે. તેની આગળ બીજું વિમાન ઊડી રહ્યું છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

મુંબઈ ઍરપોર્ટ (Mumbai Airport Accident) પર મોટી દુર્ઘટના ટળી છે. ઍરપોર્ટના એક જ રનવે પર એક જ સમયે બે પ્લેન આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આમાં એક પ્લેન રનવે પર ઊતરી રહ્યું છે. તેની આગળ બીજું વિમાન ઊડતું જોવા મળે છે. આ રીતે ટેકઑફ અને લેન્ડ કરવું બંને પ્લેન માટે અત્યંત જોખમી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઍરપોર્ટ (Mumbai Airport Accident)ના રનવે પર ઍર ઈન્ડિયા અને ઈન્ડિગોના પ્લેન એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. અહેવાલો અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટ 5053 દેવી અહલ્યાબાઈ હોલકર ઍરપોર્ટ (IDR) પરથી ટેકઑફ કર્યા બાદ રનવે 27 પર લેન્ડિંગ કરી રહી હતી, જ્યારે ઍર ઈન્ડિયાની ફ્લાઈટ 657 તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ (TRV) પરથી ટેકઑફ કરી રહી હતી.

વીડિયો આવ્યો સામે

મુંબઈ ઍરપોર્ટ (Mumbai Airport Accident) પર બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈ ઍરપોર્ટના એક જ રનવે પર એક જ સમયે બે પ્લેન આવી ગયા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક પ્લેન રનવે પર લેન્ડ થઈ રહ્યું છે. તેની આગળ બીજું વિમાન ઊડી રહ્યું છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેના પર ઊગ્ર કમેન્ટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઍર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઑફ કરવા માટે રનવે પર ઝડપથી આગળ વધી રહી છે. તેની પાછળ ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડ થઈ રહી છે. જોકે, ઈન્ડિગો ફ્લાઈટ એર ઈન્ડિયાના પ્લેનની નજીક પહોંચે ત્યાં સુધીમાં તે ટેકઑફ થઈ ચૂક્યું હતું.

મિલિંદ દેવરાએ વીડિયો શેર કર્યો

મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા મિલિંદ દેવરાએ પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે વીડિયોને કેપ્શન આપતા લખ્યું કે, “ગઈકાલે મુંબઈ ઍરપોર્ટ પર બનેલી ઘટના જ્યાં ઈન્ડિગોનું એરક્રાફ્ટ લેન્ડ થયું તે વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટ એ જ રનવે પર ટેકઑફ કરી રહી હતી તે અત્યંત ચિંતાજનક છે. રનવે પહેલાથી જ અત્યંત ભીડભાડથી ભરેલો છે, જેના પરિણામે રોજિંદો ટ્રાફિક રહે છે. ત્યાં દરરોજ 1,000થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન થાય છે અને એક્સપોઝરનું જોખમ છે.”

ઈન્ડિગોએ આપ્યું નિવેદન

આ વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિગો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઈન્દોરની ફ્લાઈટ 6E 6053ને મુંબઈ ઍરપોર્ટ પર લેન્ડિંગ માટે ATC દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કમાન્ડમાં પાયલોટે સંપર્ક કર્યો અને લેન્ડિંગ ચાલુ રાખ્યું અને એટીસીની સૂચનાઓનું પાલન કર્યું હતું. ઈન્ડિગો માટે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ મહત્ત્વની છે.

mumbai airport indigo air india viral videos mumbai mumbai news