10 October, 2024 02:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રતના ટાટાની મુકેશ અંબાણી સાથેની તસવીરોનો કૉલાજ (સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
કોઈને માટે મિત્ર તો કોઈને માટે દયાળુ, કોઈને માટે મેન્ટોર એવા પદ્મવિભૂષણ, પદ્મભૂષણ જેવા દેશના ઉચ્ચ સન્માનથી નવાજવામાં આવેલા રતન ટાટાનું આજે એટલે કે 9 ઑક્ટોબર 2024ના રોજ 86 વર્ષની વયે મુંબઈમાં બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમના નિધન થકી માત્ર ઉદ્યોગ જગતમાં જ નહીં પણ આખા દેશમાં શોકનો માહોલ છે.
દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે "આ ભારત અને ભારતીય ઉદ્યોગ જગત માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાનું નિધન ફક્ત ટાટા સમૂહ માટે જ નહીં, પણ દરેક ભારતીય માટે એક મોટી ક્ષતિ છે."
"વ્યક્તિગત રીતે, રતન ટાટાના નિધને મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે કારણકે મેં મારો એક પ્રિય મિત્ર ગુમાવી દીધો છે. તેમની સાથે મારી દરેક વાતચીતે મને પ્રેરિત કરી છે મને ઉર્જાવાન બનાવી છે અને તેમના ચરિત્રની મહાનતા અને તેમના દ્વારા સ્વીકારવામાં આવેલા ઉત્કૃષ્ટ માનવીય મૂલ્યોએ તેમના પ્રત્યે મારું સન્માન વધાર્યું છે.
રતન ટાટા એક દૂરદર્શી ઉદ્યોગપતિ હોવાની સાથે પરોપકારી વ્યક્તિ હતા, જેમણે હંમેશાં સમાજની ભલાઈ માટે પ્રયત્નો કર્યા.
શ્રી રતન ટાટા નિધનની સાથે, ભારતે પોતાના સૌથી શાનદાર અને દયાળુ દીકરાઓમાંના એકને ગુમાવી દીધો છે. શ્રી ટાટાએ ભારતને વિશ્વભરમાં પહોંચાડ્યું અને વિશ્વની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં લાવ્યા. તેમણે ટાટા ઈન્ડસ્ટ્રીને સંસ્થાગત સ્વરૂપ આપ્યું અને આને એક આંતરરાષ્ટ્રીય ઉદ્યમ બનાવ્યું, જેમણે 1991માં ચેરમેનનું પદ સંભાળ્યા બાદ ટાટા ગ્રૂપને 70 ગણું વધાર્યું.
રિલાયન્સ, નીતા અંબાણીને અને અંબાણી પરિવાર તરફથી હું ટાટા પરિવાર અને આખા ટાટા સમૂહના શોક સંતપ્ત સભ્યો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ વ્યક્ત કરું છું.
રતન, તમે હંમેશાં મારા મનમાં રહેશો.
ઓમ શાંતિ.
- મુકેશ અંબાણી"
રતન ટાટાના નિધન બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમેન મુકેશ અંબાણીએ આ નિવેદન જાહેર કરીને તેમના મિત્રને યાદ કર્યા અને તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. નોંધનીય છે કે બુધવાર, નવ ઑક્ટોબર 2024ના રોજ રતન ટાટાની તબિયત ખૂબ જ ગંભીર હોવાના સમાચાર મળ્યા બાદ, લોકો વ્યથિત હતા. ટાટા સન્સના ચૅરમેન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જાણવા મળ્યું કે 86 વર્ષની વયે ટાટા ઈન્ડસ્ટ્રીના પૂર્વ ચૅરમેન પદ્મવિભૂષણ રતન ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. દેશમાં શોકનો માહોલ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ રતન ટાટાના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. રતન ટાટાનો જન્મ 12 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો.
અબજોપતિ ઉદ્યોગપતિ અને ઉદાર વ્યક્તિત્વ
અબજોપતિ ઉદ્યોગપતિ અને ખૂબ જ ઉદાર વ્યક્તિ રતન ટાટાએ 86 વર્ષની વયે આજે વિશ્વને અલવિદા કહી દીધું છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા. જો આપણે રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર નાંખીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ રહ્યા. તેઓ તેમના ગ્રુપ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીઓને પણ પોતાનો પરિવાર માનતા અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા નહીં, આના ઘણા ઉદાહરણો છે.