05 December, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)એ પર્યાવરણને લગતી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવા બદલ અને હવાની ગુણવત્તા બગાડવા બદલ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ચાલતા ૧૯ રેડી મિક્સ કૉન્ક્રીટ (RMC) પ્લાન્ટ્સ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ડસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ્સ, એમિશન (ઉત્સર્જન) મૅનેજમેન્ટ મેકૅનિઝમ્સ અને કાનૂની પરવાનગીઓ વિના આવી અનેક સુવિધાઓ કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. MPCBની વિવિધ ટીમ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આ અંગે પરીક્ષણ કરી રહી છે અને શિયાળામાં આ કાર્યવાહી કડક બનાવવામાં આવશે.
MPCB હાલમાં MMRમાં ૩૨ કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સ્ટેશન (CAAQMS) ચલાવે છે જેમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ અને પનવેલનો સમાવેશ થાય છે. થાણે અને નવી મુંબઈમાં છ-છ અને કલ્યાણમાં ૯ RMC યુનિટ નિયમોનું ઉલ્લંઘન કરતાં જણાયાં હતાં. એમાંથી કુલ ૧૯ પ્લાન્ટ બંધ કરાવવામાં આવ્યા છે.
પ્રદૂષણના હૉટ સ્પૉટ્સ, ટ્રાન્સપોર્ટ કૉરિડોર અને ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરોને ઓળખી કાઢવા માટે મહારાષ્ટ્રમાં બાવીસ મોબાઇલ ઍર ક્વૉલિટી મૉનિટરિંગ વૅન પણ શરૂ કરવામાં આવી છે.